world News: વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધોનો સૌથી મોટો ભોગ હવે સામાન્ય નાગરિકો અને દરિયાઈ કર્મચારીઓ બની રહ્યા છે. ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ દરમિયાન હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતીય ખલાસીઓના મોત બાદ હવે રશિયા-યુક્રેન (Russia Ukraine War)યુદ્ધમાં પણ ભારતીયો જોખમમાં મુકાયા છે. સમુદ્રમાં અનાજ લઈ જઈ રહેલા કાર્ગો જહાજ પર થયેલા મિસાઈલ હુમલામાં એક ભારતીય ખલાસીના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ભારતીય (Indian) ખલાસીના મોતની આશંકા
યુક્રેનના વિદેશ પ્રધાન એન્ડ્રી સાયબીગાએ જણાવ્યું કે જહાજના ક્રૂમાં ભારત અને સીરિયાના નાગરિકો સામેલ હતા. તુર્કીમાંથી મળેલા પ્રાથમિક અહેવાલો મુજબ હુમલામાં એક ભારતીય (Indian)ખલાસીનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. યુક્રેનિયન પરિવહન મંત્રી માયકોલા કાલેશ્નિકે જણાવ્યું કે હુમલા બાદ 8 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અત્યાર સુધીમાં છ ખલાસીઓના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ચાર અન્ય હજુ ગુમ હોવાનું જણાવાયું છે. આ ઘટનામાં યુક્રેનિયન દરિયાઈ પાઇલટનું પણ મોત થયું હોવાનું યુક્રેનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં પણ ભારતીયોએ ગુમાવ્યા હતા જીવ
ભારતીય દરિયાઈ કર્મચારીઓ માટે છેલ્લા કેટલાક મહિનાઓ અત્યંત જોખમી રહ્યા છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ દરમિયાન હોર્મુઝની સામુદ્રધુની અને ખાડી વિસ્તારમાં થયેલા હુમલાઓમાં અનેક ભારતીય ખલાસીઓ પ્રભાવિત થયા હતા. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, વાણિજ્યિક જહાજો પર થયેલા હુમલાઓમાં અત્યાર સુધીમાં 13 ભારતીય ખલાસીઓના મોત થયા છે. અગાઉ અમેરિકી હુમલા દરમિયાન પણ ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા હતા. તેઓ પોતાના જહાજ સાથે હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત અને કતાર સહિતના દેશોમાં થયેલા મિસાઈલ હુમલાઓમાં પણ ભારતીય નાગરિકો અસરગ્રસ્ત થયા હતા, જ્યારે ઈઝરાયલમાં થયેલા હુમલાઓમાં કેટલાક ભારતીયો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું હતું.
આ પણ વાંચો: યુક્રેનના હુમલા બાદ મોસ્કોમાં આકાશમાંથી વરસ્યો કાળો વરસાદ, ઓઇલથી રોડ-વાહનો કાળા થયા
આ પણ વાંચો: રશિયાએ યુક્રેન પર વરસાવી મિસાઈલો, જીવ બચાવવા હજારો લોકો સબવે સ્ટેશનમાં ભરાયા
આ પણ વાંચો: યુક્રેનનો રશિયા પર ડ્રોન વડે ભીષણ હુમલો, એક ભારતીય પણ મૃત્યુ પામ્યો, 4નાં મોત
