Business News/ ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ભારતીય માર્કેટમાં ધમાસાણ: સેન્સેક્સ-નિફ્ટીમાં ગાબડું, જ્યારે સોના-ચાંદીની કિંમતો અચાનક ઊંચકાઈ

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાતાં ભારતીય શેરબજાર (Stock market)માં ભારે કડાકો બોલાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી તૂટ્યા છે, જ્યારે બીજી તરફ સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે.

Trending Business
Stock market crashes amid fears of war

વૈશ્વિક સ્તરે વધતા ભૂ-રાજકીય તણાવ અને ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતાં જ વૈશ્વિક નાણાકીય બજારોમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. સપ્તાહના પ્રથમ જ દિવસે એશિયાઈ બજારોના ખરાબ પરફોર્મન્સની અસર ભારતીય શેરબજાર (Stock market )પર પણ પડી છે. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ ભારતીય શેરબજારો ધડાકાભેર નીચે પટકાયા હતા. જોકે, આ આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે, કારણ કે લાંબા સમયના ઘટાડા બાદ બંને કિંમતી ધાતુઓની કિંમતોમાં અચાનક મોટો ઉછાળો નોંધાયો છે.

ચાંદીના વાયદા બજારમાં એક જ દિવસમાં  4005 ની મોટી તેજી

કોમોડિટી માર્કેટમાં સોમવારે કારોબાર શરૂ થતાં જ ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. શુક્રવારના બંધ ભાવ 2,16,403 ની સરખામણીએ સપ્ટેમ્બર એક્સપાયરીવાળી ચાંદી સીધી 2,20,408 પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ હતી. આ રિટર્ન સાથે ચાંદીમાં એક જ દિવસમાં કિલો દીઠ 4,005 નો સીધો વધારો નોંધાયો છે. જોકે, ઓલ-ટાઈમ હાઈ રેકોર્ડની સરખામણી કરીએ તો જાન્યુઆરીમાં ચાંદી 4,20,048 ના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી, જેની સરખામણીએ તે હજુ પણ 2,03,645 જેટલી નીચી કિંમતે ઉપલબ્ધ છે.

સોનાના ભાવમાં પણ ચમકારો: 10 ગ્રામ દીઠ 743નો વધારો

ચાંદીની સાથે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં પણ સકારાત્મક ગતિવિધિ જોવા મળી છે. 24 કેરેટ સોનાનો વાયદા ભાવ વધીને ₹1,41,649 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો, જે શુક્રવારના બંધ ભાવ 1,40,906 કરતાં 743 વધુ છે. સુરક્ષિત રોકાણ ક્ષેત્ર તરફ રોકાણકારોનો ઝુકાવ વધવાને કારણે સોનાની માંગમાં સુધારો થયો છે.

ક્રૂડ ઓઈલની અસરો અને શેરબજારમાં રોકાણકારોનું ધોવાણ

એક તરફ કિંમતી ધાતુઓ મજબૂત થઈ રહી છે, ત્યારે બીજી તરફ શેરબજારમાં રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે. ક્રૂડ ઓઈલના ભાવમાં અણધારી તેજી, બેંકિંગ સ્ટોક્સમાં મોટું વેચાણ અને અમેરિકા-ઈરાન સંઘર્ષના કારણે સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ અને નિફ્ટી 150 પોઈન્ટથી વધુના કડાકા સાથે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.


આ પણ વાંચો: સ્માર્ટફોન માર્કેટમાં મંદીનો મોટો આંચકો, મેમરી ચિપ મોંઘી થતાં મોબાઈલના ભાવમાં 15%નો ઉછાળો

આ પણ વાંચો: કાગળની નોટોના જમાનાનો આવશે અંત?, પ્લાસ્ટિક કરન્સી લાવવા રિઝર્વ બેન્ક એક્શન મોડમાં

આ પણ વાંચો: ચાલુ નાણાકીય વર્ષમાં LPG સબસિડી બિલ 1 લાખ કરોડને પાર થવાની આશંકા