જો તમે નોકરી કરો છો અને તમારું પીએફ કપાય છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. જરૂરિયાતના સમયે પીએફ (PF) માંથી પૈસા ઉપાડવા હવે રમત વાત બની જશે. કેન્દ્ર સરકાર માર્ચ મહિનાના અંત સુધીમાં EPFO ની એક નવી અને ખાસ મોબાઈલ એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ એપની સૌથી મોટી ખાસિયત એ હશે કે તેના દ્વારા UPI ના માધ્યમથી પીએફના પૈસા ઉપાડી શકાશે.
શું છે નવી સુવિધામાં ખાસ?
અત્યાર સુધી પીએફના પૈસા ઉપાડવા માટે UMANG એપ અથવા EPFO ના પોર્ટલ પર લાંબી ઓનલાઈન પ્રક્રિયા કરવી પડતી હતી, પરંતુ હવે નવી એપ દ્વારા આ પ્રક્રિયા અત્યંત સરળ બનશે. આ નવી એપ સીધી સબસ્ક્રાઈબરના બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી હશે અને તે BHIM સહિતની અન્ય UPI એપ્સ સાથે પણ સુસંગત રહેશે. આ એપ હાલની ઉમંગ એપ કરતા સંપૂર્ણપણે અલગ અને વધુ ઝડપી કાર્ય કરશે, જેના કારણે પીએફના પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થશે અને તમે UPI દ્વારા તેનો તુરંત ઉપયોગ કરી શકશો. આ નવી સુવિધાને કારણે પીએફના નાણાં મેળવવા માટે લાગતો સમય અને મહેનત બંનેમાં મોટો ઘટાડો થશે.

75% સુધીની રકમ ઉપાડી શકાશે
રિપોર્ટ અનુસાર, આ એપનું ટેસ્ટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. નવા નિયમો હેઠળ EPFO સભ્યો તેમના કુલ પીએફ બેલેન્સના 75% સુધીની રકમ ઉપાડી શકશે. જોકે, 25% રકમ ખાતામાં રાખવી ફરજિયાત રહેશે. જો કોઈ કર્મચારીની નોકરી છૂટી જાય, તો બાકીના 25% પણ 12 મહિના પછી ઉપાડી શકાશે.
ક્યારે ઉપાડી શકાય છે PF ના પૈસા?
પીએફના સભ્યો અમુક ખાસ પરિસ્થિતિઓમાં પોતાના ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. જેમાં મુખ્યત્વે બાળકોના ઉચ્ચ શિક્ષણ અથવા તેમના લગ્ન પ્રસંગ માટે નાણાંની જરૂરિયાત હોય ત્યારે ઉપાડ કરી શકાય છે. આ ઉપરાંત, પરિવારમાં કોઈ ગંભીર બીમારીના ઈલાજ માટે, નવું ઘર ખરીદવા અથવા રહેણાંક મકાનના રિપેરિંગ કામ માટે પણ પીએફના પૈસા વાપરી શકાય છે. તેમજ જો કોઈ કારણસર નોકરી છૂટી જાય, તો તેવા કિસ્સામાં આર્થિક ટેકા તરીકે પીએફની રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવે છે.
નોંધનીય છે કે હાલમાં EPFO સાથે આશરે 30 કરોડ સબ્સ્ક્રાઇબર્સ જોડાયેલા છે અને લગભગ 7.5 કરોડ એક્ટિવ મેમ્બર્સ નિયમિત યોગદાન આપે છે. સરકારની આ નવી પહેલથી કરોડો કર્મચારીઓને મોટી સુવિધા મળશે.
આ પણ વાંચો: ATM થી કાઢી શકાશે PF ના પૈસા..AI કરશે મદદ…EPFO 3.0 Rule: 8 કરોડ લોકો માટે ખુશખબર!
આ પણ વાંચો: EPFO ની ભેટ,ઓટો-સેટલમેન્ટ મર્યાદા ₹1 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવી, PF ઉપાડ સરળ બન્યો
આ પણ વાંચો: EPFO વર્ઝન 3.0 થશે લોન્ચ, 9 કરોડથી વધુ લાભાર્થીઓને થશે ફાયદો
