ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghavi) વરદ હસ્તે અમદાવાદમાં વિવિધ પોલીસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 202.85 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા મહત્વના સુરક્ષા અને આવાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ પ્રકલ્પોમાં છારોડી ખાતે અત્યાધુનિક ATS બિલ્ડિંગ, બોડકદેવ ખાતે અર્બન પોલીસ સ્ટેશન, અમરાઈવાડી અને કાગડાપીઠ ખાતે પોલીસ આવાસ, સૈજપુર બોઘા ખાતે ડોગ કેનલ અને ટ્રેનિંગ ઓફિસ તેમજ SRP ગ્રુપ-2ના બંગલાના કામોનો સમાવેશ થાય છે. આ તમામ સુવિધાઓ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારના જીવનધોરણમાં સુધારો લાવશે તેમજ તેમની કાર્યક્ષમતામાં વધારો કરશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) જણાવ્યું હતું કે, ATS માત્ર એક ફોર્સ નહીં પરંતુ સાડા છ કરોડ ગુજરાતીઓના અતૂટ વિશ્વાસનું કેન્દ્ર છે. રાજ્યની આંતરિક અને દરિયાઈ સુરક્ષા માટે ATS 24×7 કાર્યરત છે અને આતંકવાદ, નશા અને સંગઠિત ગુનાઓ સામે સતત કડક કાર્યવાહી કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, 1600 કિમી લાંબી દરિયાઈ સીમા પર પાકિસ્તાની ઘૂસણખોરો અને ડ્રગ્સ માફિયાઓ સામે લડત ચલાવવી ATSના જવાનોની બહાદુરીનું પ્રતીક છે.

રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, મજબૂત ગુજરાત માટે મજબૂત પોલીસ અને ATS અનિવાર્ય છે. રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે ગુંડાતત્વ, આતંકવાદ અને નશા સામે કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસ પરિવારની સુખાકારી માટે આવાસ યોજનાઓ ઝડપી ગતિએ અમલમાં મૂકવામાં આવી રહી છે.
આ પ્રસંગે રાજ્ય પોલીસ વડા કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, રાજ્યની સુરક્ષા પોલીસની પ્રાથમિકતા છે અને ATS તથા SOGને આધુનિક તાલીમ અને ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. ATSના નવા ભવનનું ખાતમુહૂર્ત સુરક્ષા ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત છે.
કાર્યક્રમ દરમિયાન આધુનિક હથિયારો અને મરીન કમાન્ડો ફોર્સના સંસાધનોનું પ્રદર્શન તેમજ ATSની કામગીરી દર્શાવતી શોર્ટ ફિલ્મનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્ય અને શહેરના જનપ્રતિનિધિઓ, પોલીસ અધિકારીઓ તથા પોલીસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:ફાગવેલમાં CM ભૂપેન્દ્ર પટેલે રૂ.348 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું
આ પણ વાંચો:સાણંદમાં અઝિસ્ટા સ્પેસની ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરીનું અર્જુન મોઢવાડિયાના હસ્તે ખાતમુહૂર્ત
