Ahmedabad News/ સાણંદમાં અઝિસ્ટા સ્પેસની ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરીનું અર્જુન મોઢવાડિયાના હસ્તે ખાતમુહૂર્ત

Azista Space ની ટીમને અભિનંદન પાઠવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ફેક્ટરીમાંથી તૈયાર થયેલો સંપૂર્ણ સ્વદેશી સેટેલાઈટ ટૂંક સમયમાં અવકાશમાં જશે

Gujarat Ahmedabad
Azista Space

Ahmedabad News : અમદાવાદના ઔદ્યોગિક હબ સાણંદ ખાતે અઝિસ્ટા સ્પેસ (Azista Space) દ્વારા ભારતની મહત્વકાંક્ષી ‘ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરી’નો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે સંપન્ન થયું હતું. સાણંદના ખોરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લોટ નં. K-19 થી K-24/1 ખાતે આ અત્યાધુનિક ફેક્ટરીનું નિર્માણ કરવામાં આવશે.

આ પ્રસંગે મંત્રી અર્જુનમોઢવાડિયાએ પોતાના ઉદબોધનમાં ગુજરાતને સ્પેસ ટેકનોલોજી અને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રેસર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ડો. વિક્રમ સારાભાઈના વારસાને આગળ ધપાવતા ગુજરાત હવે સ્પેસ ટેકનોલોજીનું નવું કેન્દ્ર બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશે સ્પેસ સેક્ટરને ખાનગી સાહસો માટે ખુલ્લું મૂક્યું છે, જેના પરિણામે આજે સાણંદ ખાતે દેશના પ્રથમ ઈન્ટિગ્રેટેડ પ્રાઈવેટ સેટેલાઈટ પ્લાન્ટનું સપનું સાકાર થઈ રહ્યું છે. ગુજરાત સરકારની નવી સ્પેસ ટેક પોલિસી હેઠળ રાજ્યને સ્પેસ ઈકોનોમીમાં અગ્રેસર બનાવવાનું અને યુવાનો માટે મોટાપાયે રોજગારીની નવી તકો ઉભી કરવાનું અમારું લક્ષ્ય છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જેમ ગુજરાતે ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ અને સેમીકન્ડક્ટર ક્ષેત્રે વિશ્વભરમાં નામના મેળવી છે, તેમ હવે નોલેજ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી અને સ્પેસ મેન્યુફેક્ચરિંગમાં પણ ગુજરાત અગ્રેસર રહેશે. અઝિસ્ટા સ્પેસ (Azista Space)દ્વારા સ્થપાનારો આ પ્લાન્ટ આત્મનિર્ભર ભારતના સંકલ્પને નવી ઊંચાઈએ લઈ જશે. અહીં એક જ છત નીચે સેટેલાઈટના ડિઝાઇનિંગથી લઈને ટેસ્ટિંગ સુધીની સંપૂર્ણ કામગીરી સ્વદેશી ટેકનોલોજીથી કરવામાં આવશે, જે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક સજ્જતામાં પાયાનું યોગદાન આપશે.

મંત્રીએ અઝિસ્ટા સ્પેસ (Azista Space) ની ટીમને અભિનંદન પાઠવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ફેક્ટરીમાંથી તૈયાર થયેલો સંપૂર્ણ સ્વદેશી સેટેલાઈટ ટૂંક સમયમાં અવકાશમાં જશે અને વિશ્વના સ્પેસ ઈતિહાસમાં ગુજરાતનું નામ રોશન કરશે. તેમણે વૈશ્વિક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને પણ ગુજરાતમાં રોકાણ કરવા અને સ્પેસ સેક્ટરમાં રહેલી વિપુલ તકોનો લાભ લેવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું.

આ પ્રસંગે સાણંદના ધારાસભ્ય  કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, સાણંદ આજે વિશ્વભરની મલ્ટીનેશનલ કંપનીઓ માટે હબ બન્યું છે અને ફાર્માથી લઈને ઓટોમોબાઈલ ક્ષેત્રના મોટા એકમો અહીં કાર્યરત છે. તેમણે ગૌરવ સાથે ઉમેર્યું હતું કે, અત્યાર સુધી સાણંદ પાસે દરેક ક્ષેત્રના ઉદ્યોગો હતા પરંતુ સ્પેસ કે સેટેલાઈટ ક્ષેત્રનું કોઈ યુનિટ નહોતું, જે ખોટ આજે અઝિસ્ટા સ્પેસ (Azista Space) ના આગમનથી પૂરી થઈ છે. હવે સાણંદ માત્ર જમીન પર જ નહીં પરંતુ અવકાશ ક્ષેત્રે પણ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરશે, જે સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે. તેમણે અઝિસ્ટા સ્પેસની ટીમને આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાણંદમાં લાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અઝિસ્ટા સ્પેસ (Azista Space) ના મેનેજિંગ ડાયરેક્ટર એમ. શ્રીનિવાસ રેડ્ડીએ કંપનીના વિઝન અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સંશોધન (Research) એ અમારી કંપનીનો મૂળભૂત પાયો છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે સફળ સંશોધનો દ્વારા લાખો લોકોના જીવ બચાવ્યા બાદ, હવે અમે એ જ સંશોધન વૃત્તિ સાથે સ્પેસ અને મટીરિયલ સાયન્સના ક્ષેત્રમાં ડગ માંડ્યા છે. અમદાવાદ એ સેટેલાઈટના હૃદય સમાન ગણાતા ‘પેલોડ’નું કેન્દ્ર હોવાથી, અમે આ પ્લાન્ટ માટે સાણંદની પસંદગી કરી છે.

અમને ગર્વ છે કે ઇસરો (ISRO) અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ના નિષ્ણાતો અમારા માર્ગદર્શક રહ્યા છે, જેમના સહયોગથી અમે શૂન્યમાંથી સર્જન કરી આજે આ સ્તરે પહોંચ્યા છીએ.તેમણે પ્લાન્ટની ક્ષમતા વિશે વધુમાં ઉમેર્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય માત્ર ઉત્પાદન કરવાનો જ નહીં પરંતુ સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી વિકસાવવાનો છે. અમે સિલિકોન કાર્બાઇડ મિરર જેવી જટિલ ટેકનોલોજીનું ભારતની ધરતી પર જ નિર્માણ કર્યું છે.

રેડ્ડીએ અંતમાં જણાવ્યું હતું કે, ઇસરોના માર્ગદર્શન અને અમારી યુવા ટીમના ઉત્સાહ સાથે અમે સ્પેસ સેક્ટરમાં વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરવા માંગીએ છીએ. સાણંદમાં ઉભું થઈ રહેલું આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હાઈ-વેલ્યુ સ્પેસ મેન્યુફેક્ચરિંગમાં ગેમ-ચેન્જર સાબિત થશે અને ભારતને સ્પેસ ટેકનોલોજીના ગ્લોબલ માર્કેટમાં મજબૂત ખેલાડી તરીકે પ્રસ્થાપિત કરશે.

ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ફેક્ટરી પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

અઝિસ્ટા સ્પેસ (Azista Space) ના ડાયરેક્ટર  સુનિલ ઈન્દુર્તી અને ચીફ સાયન્ટિફિક એડવાઈઝર  વિશ્વનાથન વેદમ દ્વારા આ ફેક્ટરીની ટેકનિકલ ક્ષમતાઓ અને સુવિધાઓ વિશે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અઝિસ્ટા સ્પેસ (Azista Space) લિમિટેડ દ્વારા ગુજરાત સરકાર સાથે ₹500 કરોડથી વધુના MoU કરવામાં આવ્યા છે, જેના અંતર્ગત સાણંદના ખોરજ ખાતે દેશનો પ્રથમ ખાનગી ક્ષેત્રનો સેટેલાઈટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આકાર લેશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં જ પૂરેપૂરી ટેકનોલોજી વિકસાવીને સંપૂર્ણ સ્વદેશી સેટેલાઈટનું નિર્માણ કરવાનો છે. આ પ્લાન્ટની વિશેષતા એ છે કે અહીં સેટેલાઈટની ડિઝાઇનથી માંડીને ફાઈનલ પ્રોડક્શન સુધીની તમામ કામગીરી એક જ છત નીચે કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે વધુ બળ મળશે અને ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ તથા રિમોટ સેન્સિંગ જેવા વિષયોના નિષ્ણાતો માટે રોજગારીની મોટી તકો સર્જાશે.

અઝિસ્ટા સ્પેસ(Azista Space) ની ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરીના ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશનના મિશન ડાયરેક્ટર  નેહા કુમારી (IAS), અમદાવાદ જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટ સહિત સ્પેસ ટેકનોલોજી ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવો તથા અઝિસ્ટા સ્પેસના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : ઓપરેશન કાવેરીમાં એરફોર્સનું અદ્ભુત કામ, અંધારામાં લેન્ડ થયું C-130J વિમાન, જુઓ વીડિયો

આ પણ વાંચો : DRDO અને વાયુસેનાએ આ હથિયારનું કર્યુ પરિક્ષણ.જાણો સમગ્ર વિગતો

આ પણ વાંચો : ગુજરાત સ્પેસ ટેક સેક્ટરમાં અગ્રણી બનવાના દિશામાં આગળ, PDEU ખાતે સફળ Round Table યોજાઈ