Business News: મોટા ભાગના લોકોની એ ફરિયાદ હોય છે કે PF (પી એફ) મેળવવું સૌથી કઠિન કાર્ય છે. હજુ પણ દેશમાં એવા લાખો લોકો છે જે કેવળ જટિલ પ્રક્રિયાના કારણે પીએફ ની રકમ કાઢી શકતા નથી. પરંતુ, હવે સઘળું સરળ બનવા જઇ રહ્યું છે આ વર્ષથી…સરકારે તૈયારી પૂર્ણ કરી લીધી છે અને ભવિષ્ય નિધિ સંગઠન અર્થાત્ EPFO હવે પોતાની સિસ્ટમને પૂરી રીતે બદલવા જઇ રહ્યું છે. EPFO 3.0 અંતર્ગત આ પરિવર્તન થઇ રહ્યું છે.
આમ જોઇએ તો, છેલ્લા કેટલાક મહિનાથી PF એકાઉન્ટમાંથી પૈસા કાઢવાના નિયમો સરળ તો બન્યા છે, જેથી ક્લેઇમ સેટલમેન્ટમાં ઝડપી ઉછાળો આવ્યો છે! કારણ ક્લેઇમ સમયગાળા દરમિયાન, અગાઉ Error આવવાને કારણે લોકોને ઑફિસોના ચક્કર લગાવવા પડતા હતા, પણ હવે ઑનલાઇન (Online) ભૂલ સુધારવા માટેની સુવિધા ઉપલબ્ધ છે. આનાથી સિસ્ટમ (System) તો બહેતર બની છે પણ EPFO 3.0 ને તો અત્યંત હાઈટેક માનવામાં આવી રહ્યો છે, અર્થાત્ બધું જ ડિજિટલ થશે અને તદ્દન યુઝર ફ્રેન્ડલી પણ!!
PF અંગેના EPFO 3.0 માં કયા પરિવર્તનો આવશે?

1. EPFO હવે બેંકની જેમ કામ કરશે
એક મોટું પરિવર્તન એ છે કે EPFO હવે બેંકની જેમ કામ કરશે. પહેલા કોઇ કર્મચારીને PF સંલગ્ન કોઇ સમસ્યા થાય તો એને જ્યાં એનો એકાઉન્ટ જોડાયેલો હોય એ જ ઑફિસે જવું પડતું હતુ, પરંતુ હવે EPFO 3.0 લાગુ થયા બાદ દેશના કોઇ પણ EPFO ઑફિસે જઇને પોતાનું કામ કાઢી શકાશે. આ સગવડ ખાસ કરીને એ કર્મચારીઓ માટે ઘણી જ ફાયદાકારક રહેશે જે વારંવાર નોકરી માટે શહેર બદલે છે!
2. EPFO ની વેબસાઇટમાં પરિવર્તન
બીજું મોટું પરિવર્તન એ છે કે, EPFO ની વેબસાઇટમાં પરિવર્તન આવશે અને વેબસાઇટ તથા પોર્ટલને પૂર્ણ રીતે યુઝર-ફ્રેન્ડલી બનાવવામાં આવશે, જેમાં AI આધારિત ભાષા અનુવાદ ટૂલ્ પણ સંલગ્ન કરવામાં આવશે જેથી EPFO ની જાણકારીને અન્ય ભારતીય ભાષાઓમાં પણ સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. અંગ્રેજી ઉપરાંત, હિન્દી, મરાઠી, તમિલ સહિત તમામ ભાષાઓમાં આની સાથે સંલગ્ન તમામ માહિતી મળશે.
3. UPI થી PF ઉપાડવાની સગવડ
EPFO 3.0 અંતર્ગત, એક મોટું પરિવર્તન આવશે અને એ છે કે જ્યારે PF ના પૈસા UPI દ્વારા કાઢવાનો વિકલ્પ મળશે. આ માટે એપ વાપરવામાં આવશે. આ સુવિધા એપ્રિલ 2026 સુધીમાં શરુ થવાની સંભાવના છે અર્થાત્ તમે PF એકાઉન્ટમાં જમા રકમને ATM થી પણ ઉપાડી શકશો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ PF માંથી પૈસા ઉપાડવા માટેના 13 અલગ કારણો અને નિયમો હતા જે ઘણા જ ગૂંચવણ ભરેલા હતા. પરંતુ હવે એમને કેવળ 3 કેટેગરીમાં વહેંચી દેવામાં આવ્યા છે.
1. Essential Needs:
આ કેટેગરીમાં જીવન સાથે સંકળાયેલી આવશ્યક બાબતો માટે PF ઉપાડી શકાય છે જેમાં ગંભીર માંદગી, શિક્ષણ અને લગ્ન સામેલ છે.

2. Housing Needs:
આ કેટેગરી ઘરનું સપનુ પૂરું કરવા માટે છે. ઘર ખરીદવા માટે કે ઘર બનાવવા માટે અથવા તો પછી હોમ લોન ચૂકવવા માટે PF ની રકમને કાઢી શકાય છે.
3. Special Situations:
એવા ખાસ સંજોગોમાં, જેમ કે નોકરી ગુમાવવી, PF ની રકમને ઉપાડી શકાશે.
અગાઉ શિક્ષણ, લગ્ન કે ઇલાજ જેવા કારણો માટે રકમ ઉપાડવા માટે સભ્યને કેટલાય વર્ષોની સેવા પૂર્ણ કરવી પડતી હતી, પણ EPFO 3.0 માં સેવાનો સમયગાળો તમામ કેટેગરી માટે એક સમાન 12 મહિના કરી દેવાઇ છે. શિક્ષણ માટે 10 વખત અને લગ્ન માટે 5 વખત PF ની રકમને ઉપાડી શકાશે.
સૌથી મોટું પરિવર્તન તો એ છે કે હવે સભ્ય 75% સુધીનું ફંડ તરત જ ઉપાડી શકશે, અને બાકીની 25% રકમ ખાતામાં જમા રહેશે જેથી ભવિષ્યમાં મળનારા વ્યાજ અને સેવાનિવૃત્તિ સુરક્ષાને નુકસાન ન પહોંચે. જો કોી સભ્ય બેરોજગાર થઇ જાય અને 1 વર્ષ સુધી નોકરી મળે તો પછી એ આખું વર્ષ PF બેલેન્સ અર્થાત્ 100% ફંડ કાઢી શકે છે.

જાતે જ આ ભૂલો સુધારી શકાશે
છેલ્લા વર્ષે જાન્યુઆરીમાં એટલે કે જાન્યુઆરી-2025માં EPFO એ મોટા નિર્ણયો લીધા હતા જે અંતર્ગત, કર્મચારી પોતાનું નામ, જન્મતારીખ, માતા-પિતાનું નામ, લગ્નનું સ્ટેટસ, જોઇનિંગ અને લીવિંગ ડેટ જેવી મામૂલી ભૂલો જાતે જ ઑનલાઇન સુધારી શકે છે, આ માટે એમને ન તો કોઇ નિયુક્ત અધિકારીની મંજૂરી જોઇએ કે ન તો EPFO ની!
EPFO માં આશરે 8 કરોડ એક્ટિવ સભ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, EPFO માં આશરે 8 કરોડ એક્ટિવ સભ્યો છે અને એનું કુલ ફંડ લગભગ 28 લાખ કરોડ રુપિયા છે. આવનારા સમયમાં લેબર કોડ લાગુ થયા પછી EPFO ને અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓનું ફંડ સંભાળવાની જવાબદારી પણ મલી શકે છે.
હાલ EPFO 3.0 ની આખી ડિજીટલ સિસ્ટમ હજુ ટેસ્ટિંગ અને રોલઆઉટ સ્ટેજમાં છે.
આ પણ વાંચો: ભારત-અમેરિકા વેપાર કરાર પર વાતચીત, શું ભારતમાંથી 25% વધારાનો ટેરિફ દૂર થશે?
આ પણ વાંચો: વેપાર કરારોને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ અજય ભાદુનો DGFTતરીકેનો કાર્યકાળ લંબાવ્યો
આ પણ વાંચો: ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરારને આગામી 48 કલાકમાં અંતિમ સ્વરૂપ અપાય તેવી શક્યતા
