sports news/ U-19 વર્લ્ડ કપ જીત્યા બાદ વેદાંત ત્રિવેદી અને ખિલન પટેલનું ગુજરાતમાં ભવ્ય સ્વાગત

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં જીત મેળવી દેશનું નામ રોશન કરનાર ગુજરાતના યુવા ખેલાડી વેદાંત ત્રિવેદી અને ખિલન પટેલ વતન પરત ફર્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમના આગમન સમયે પરિવારજનો અને ક્રિકેટપ્રેમીઓ દ્વારા ભવ્ય અને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Sports
U19 World Cup

અંડર-19  (U19 World Cup) ક્રિકેટ વર્લ્ડ કપમાં જીત મેળવી દેશનું ગૌરવ વધારનાર ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડી વેદાંત ત્રિવેદી અને ખિલન પટેલ 8 ફેબ્રુઆરીની મોડી રાત્રે મુંબઈથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમના આગમન સમયે પરિવારજનો અને ક્રિકેટપ્રેમીઓએ ઉત્સાહભેર સ્વાગત કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. એરપોર્ટ પર બંને ખેલાડીઓને હાર પહેરાવીને અને ગુલાબની પાંદળીઓ વરસાવી ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું.

એરપોર્ટ પર વેદાંત અને ખિલનના નામના નારા ગૂંજી ઉઠ્યા હતા અને પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા. માહિતી મુજબ બંને ખેલાડી ઝિમ્બાબ્વેથી મુંબઈ અને ત્યારબાદ અમદાવાદ પહોંચ્યા હતા.

મોડાસામાં ખિલન પટેલના સન્માનમાં ભવ્ય કાર્યક્રમ

અરવલ્લી જિલ્લાના મોડાસાનો ગૌરવ એવા ખિલન અનિલભાઈ પટેલ અંડર-19 વર્લ્ડ કપ (U19 World Cup) જીત્યા બાદ વતન પરત ફરતા તેમના સન્માનમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવાર, 9 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યે સ્વાગત યાત્રા યોજાશે, જે મોડાસાના APMC સર્કલથી શરૂ થઈ શ્રી ઉમિયા માતાજી મંદિર સુધી ડીજે સાથે વરઘોડા સ્વરૂપે આગળ વધશે.

નાનપણથી ક્રિકેટ પ્રત્યે અખૂટ લગાવ

મોડાસાના નહેરુ કંપામાં જન્મેલા અને હાલ સોપાન વિસ્તારમાં રહેતા ખિલન પટેલના પિતા અનિલભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ખેડૂત વ્યવસાય કરે છે. ખિલને પ્રાથમિક શિક્ષણ મોડાસાની શાળામાં પૂર્ણ કર્યું અને બાદમાં મેઘરજ રોડ પર આવેલી સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કર્યો. અહીં અભ્યાસ દરમિયાન તેની અરવલ્લી જિલ્લામાં અંડર-11માં પસંદગી થઈ હતી.

અંડર-16માં એક વર્ષ રાજ્ય સ્તરે રમ્યા બાદ તેને GCA દ્વારા અંડર-19 ટીમમાં પસંદગી મળી હતી. છેલ્લા બે વર્ષમાં ઉત્તમ પ્રદર્શનના આધારે તેને ભારતીય અંડર-19 (U19 World Cup) ટીમમાં સ્થાન મળ્યું અને વર્લ્ડ કપ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

ખિલનના માતા-પિતા જણાવે છે કે નાનપણથી જ ક્રિકેટ પ્રત્યે દીવાનગી ધરાવતા પુત્રને આગળ વધારવા માટે તેમણે હંમેશા પૂરો સહયોગ આપ્યો છે અને ભવિષ્યમાં પણ તેને ઊંચાઈ સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે.


આ પણ વાંચો:આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025માં ભારત પાક. સામે 247 રનમાં ઓલઆઉટ

આ પણ વાંચો:ભારતમાં આયોજિત થનારા ક્રિકેટ વર્લ્ડ કપમાં મેદાન પર માત્ર આ કોલ્ડ ડ્રિંક બ્રાન્ડ દેખાશે, બની ઓફિશિયલ પાર્ટનર

આ પણ વાંચો:વેસ્ટ ઈન્ડીઝ ટીમ ક્રિકેટ વર્લ્ડ કપમાંથી બહાર, સ્કોટલેન્ડે હરાવીને કર્યો ઉલટફેર