Ahmedabad News : કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટી (Swaminarayan University)માં પરીક્ષા નિયામક તરીકે ફરજ બજાવતા ડૉ. ગુંજન ઉમેશકુમાર શાહ સામે NSUIએ ગંભીર આક્ષેપો કર્યા છે. NSUIનું કહેવું છે કે ડૉ. ગુંજન શાહ એક તરફ સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામક તરીકે કામગીરી સંભાળી રહ્યા છે, જ્યારે બીજી તરફ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન ધિણોજ સ્થિત વિદ્યાસાગર બી.એડ. કોલેજમાં આચાર્ય તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે.
Gujarat NSUI ના પ્રવક્તા સુધીર રાવલે દાવો કર્યો કે ડૉ. ગુંજન શાહને વર્ષ 2021માં વિદ્યાસાગર બી.એડ. કોલેજના આચાર્ય તરીકે સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી અને તેઓ હજુ પણ તે પદ પર છે. આવા સંજોગોમાં તેઓ એકસાથે બંને સંસ્થાઓમાં નિયમિત રીતે ફરજ કેવી રીતે બજાવી શકે તે અંગે પ્રશ્નો ઊભા થયા છે.
સુધીર રાવલે જણાવ્યું કે પરીક્ષા નિયામક જેવી જવાબદારીપૂર્ણ પોસ્ટ માટે યુનિવર્સિટીમાં નિયમિત હાજરી જરૂરી હોય છે. તેથી જો ડૉ. ગુંજન શાહ બીજી સંસ્થામાં પણ આચાર્ય તરીકે કામગીરી કરતા હોય તો સમગ્ર વ્યવસ્થાની પારદર્શિતા અને નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઊભા થાય છે.
NSUIએ વધુમાં આક્ષેપ કર્યો કે સ્વામિનારાયણ યુનિવર્સિટી (Swaminarayan University) અગાઉ પણ વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચામાં રહી ચૂકી છે
NSUIએ વધુમાં આક્ષેપ કર્યો કે સ્વામિનારાયણ યુનિવર્સિટી અગાઉ પણ વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચામાં રહી ચૂકી છે અને હવે આ મામલાની પણ ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ. સંગઠને દાવો કર્યો છે કે યુનિવર્સિટીના અન્ય કેટલાક હોદ્દાઓ અંગે પણ ટૂંક સમયમાં વધુ ખુલાસા કરવામાં આવશે.
આ મામલે NSUIએ રાજ્યપાલ સમક્ષ લેખિત રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ પણ ફરિયાદ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સંગઠનની માંગ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જો નિયમભંગ થયો હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
