New Delhi News/ NEET પેપર લીક મુદ્દે મોદી સરકાર સામે કોક્રોચનો હુમલો: ‘આ તો હાડકું ભાંગ્યું હોય ત્યાં બેન્ડ-એડ લગાવવા જેવું’

NEET પેપર લીક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ફાસ્ટ-ટ્રેક કોર્ટની જાહેરાત કરી છે, પરંતુ CJPએ તેને અપૂરતું ગણાવી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ દોહરાવી છે. દિલ્હીમાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત છે.

Top Stories India Breaking News
CJP

New Delhi: NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનોનો વિરોધ યથાવત છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીકના દોષિતોને ઝડપી અને કડક સજા આપવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની જાહેરાત કરી છે. જોકે, દિલ્હીમાં આંદોલન ચલાવી રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)એ આ જાહેરાતને અપૂરતી ગણાવી છે. CJPનું કહેવું છે કે માત્ર ફાસ્ટ-ટ્રેક કોર્ટથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ જવાબદારી નક્કી કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવુ જરૂરી છે.

‘હાડકું ભાંગ્યું હોય ત્યાં બેન્ડ-એડ લગાવવા જેવું’- CJP 

CJP
CJP slams PM fast-track court announcement.

CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ વડાપ્રધાનની જાહેરાતની ટીકા કરતાં કહ્યું કે ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવી એ સમસ્યાના મૂળ કારણનો ઉકેલ નથી. તેમણે કહ્યું કે પેપર લીક એટલા માટે નથી થઈ રહ્યા કે દેશમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટ નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળતા તંત્ર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીની નિષ્ફળતાને કારણે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. રાંકાએ આ જાહેરાતને “હાડકું ભાંગ્યું હોય ત્યાં બેન્ડ-એડ લગાવવા જેવી કાર્યવાહી” ગણાવી અને જણાવ્યું કે વિદ્યાર્થીઓને લાંબી કાનૂની પ્રક્રિયા નહીં પરંતુ જવાબદારી નક્કી કરતી તાત્કાલિક કાર્યવાહી જોઈએ.

PM મોદીની ફાસ્ટ-ટ્રેક કોર્ટની જાહેરાત

દેશવ્યાપી વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ NEET પેપર લીક (Paper Leak) મુદ્દે પ્રથમ વખત જાહેર પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે સરકાર માટે દેશના યુવાનોનું ભવિષ્ય સર્વોચ્ચ પ્રાથમિકતા ધરાવે છે. તેમણે જાહેરાત કરી કે પેપર લીકના કેસોની ઝડપી સુનાવણી અને દોષિતોને કડક સજા સુનિશ્ચિત કરવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં અને સંબંધિત અધિકારીઓને જરૂરી તમામ કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

CJPએ સરકારના પ્રસ્તાવને ફગાવ્યો

વડાપ્રધાનની જાહેરાત બાદ દિલ્હીમાં આંદોલન ચલાવી રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)એ સોશિયલ મીડિયા પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. CJPએ સરકારના નિર્ણયને મુખ્ય મુદ્દાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો અને પોતાની મુખ્ય માંગણી પર અડગ રહી. સંસ્થાએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે “Dharmendra Pradhan Must Resign”, એટલે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જ આ સમગ્ર વિવાદની પ્રથમ જવાબદારી હોવી જોઈએ.

સોશિયલ મીડિયા પર CJPનો પલટવાર

CJPના નેતા અભિજીત દીપકે વડાપ્રધાનની પોસ્ટને ક્વોટ કરીને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં “Hi, I am nothing” લખેલું હતું. આ પોસ્ટ દ્વારા તેમણે સરકાર અને શિક્ષણ મંત્રી પર જવાબદારી ટાળવાનો આરોપ લગાવ્યો હતો. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી અને તેના પર સમર્થન તથા વિરોધમાં અનેક પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.

જંતર-મંતર પર આંદોલન યથાવત

દિલ્હીના જંતર-મંતર (Jantar Manta)ખાતે વિદ્યાર્થીઓ અને સમર્થકોનું આંદોલન ચાલુ છે. દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી છે, જ્યારે રાજકીય સ્તરે પણ આ મુદ્દે આરોપ-પ્રત્યારોપનો દોર યથાવત છે. CJPએ જણાવ્યું છે કે તેમની નીચેની ચાર મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે:

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તાત્કાલિક રાજીનામું.

NEET પેપર લીક બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને ₹1 કરોડનું વળતર.

શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે કોઈ પોલીસ અથવા કાનૂની કાર્યવાહી નહીં.

પ્રદર્શનકારીઓ સામે કથિત અત્યાચાર કરનારા પોલીસ અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી.