દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પેપર લીક પ્રકરણને લઈને કોકરોચ જનતા પાર્ટી (CJP) નો વિરોધ પ્રદર્શન સતત ચાલુ છે. આ બધા વચ્ચે હવે આંદોલનકારીઓએ પોતાના વલણમાં થોડી નરમાશ દર્શાવી છે. CJP ના પ્રવક્તા આશુતોષ રાંકાએ એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, “કેન્દ્ર સરકારે અમારી સાથે વાતચીત કરવા માટે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો છે. અમે પણ સકારાત્મક ચર્ચા માટે પૂરેપૂરા તૈયાર છીએ.”
આશુતોષ રાંકાએ સ્પષ્ટતા કરતા ઉમેર્યું હતું કે, આ વાટાઘાટો કાં તો જંતર-મંતર ખાતે યોજાવી જોઈએ અથવા તો બંને પક્ષો સંમત થાય તેવું કોઈ તટસ્થ સ્થળ (Neutral Place) નક્કી કરવામાં આવે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ વખતે સમયનો સહેજ પણ બગાડ થવો જોઈએ નહીં અને ઉકેલ લાવવો જરૂરી છે.
માત્ર ચાર સૂત્રોચ્ચાર જ માન્ય; નકારાત્મકતા ચલાવી લેવાશે નહીં
જંતર-મંતરથી આંદોલનકારીઓને સંબોધતા રાંકાએ શિસ્તબદ્ધ રહેવા અપીલ કરી હતી. તેમણે સૂચના આપી હતી કે, “ભારત માતા કી જય, ઇન્કલાબ ઝિંદાબાદ, જય ભીમ અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો—વિરોધ પ્રદર્શન માત્ર આ ચાર નારાઓ પૂરતું જ સીમિત રહેવું જોઈએ.” તેમણે વધુમાં ઉમેર્યું કે કેટલાક તત્વો આ પ્રદર્શનનું ખોટું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અમે કોઈપણ પ્રકારની નકારાત્મકતા કે ભડકાઉ નારેબાજી ચલાવી નહીં લઈએ.
આ માત્ર ‘ટ્રેલર’ હતું, માંગણીઓ નહીં સંતોષાય તો દેશભરના યુવાનો દિલ્હી કૂચ કરશે
આ અગાઉ, ANI સાથે વાતચીત કરતી વખતે આશુતોષ રાંકાએ કેન્દ્ર સરકારને આકરા શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો યુવાનોની વાજબી માંગણીઓ વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે, તો દેશનો યુવા વર્ગ સરકારને યોગ્ય જવાબ આપશે. તેમણે ૨૦ જુલાઈના રોજ યોજાયેલા માર્ચને માત્ર એક ‘ટ્રેલર’ ગણાવ્યું હતું.
તેમણે આ આંદોલનને સ્વતંત્ર ભારતનો સૌથી મોટો સંગ્રામ ગણાવતા કહ્યું કે, જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આ વખતે લાખોની સંખ્યામાં લોકો દિલ્હી તરફ પ્રયાણ કરશે. ૨૦ જુલાઈના માર્ચને સંપૂર્ણપણે શાંતિપૂર્ણ ગણાવતા તેમણે ઉમેર્યું કે, “પોલીસે વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કર્યો ત્યાર બાદ જ અફરાતફરી મચી હતી. આ દેશનો યુવા છેલ્લા ૩૧ દિવસથી મહાત્મા ગાંધી અને ડૉ. બી.આર. આંબેડકરના અહિંસક માર્ગે ચાલીને પોતાનો હક માંગી રહ્યો છે.”
એફઆઈઆર (FIR) રદ કરવાની મક્કમ માંગ
આંદોલન સમાપ્ત કરવા માટે CJP એ શરત મૂકી છે કે પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી તમામ FIR રદ કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ નવી કાર્યવાહી નહીં થાય તેવી ખાતરી આપવામાં આવે. રાંકાએ સ્પષ્ટ કર્યું કે તેમનું નેતૃત્વ UAPA કે NSA જેવી કડક કલમો કે જેલ જવાના ડરથી પીછેહઠ નહીં કરે. તેમણે ભાજપ સહિત દેશના તમામ રાજકીય પક્ષોને આ આંદોલનમાં જોડાવા અને દેશના ભાવિ સમાન યુવાનોના સમર્થનમાં આગળ આવવા ખુલ્લું આહ્વાન કર્યું હતું.
આ પણ વાંચો :દિલ્હીમાં સંસદ માર્ચ બાદ તણાવ યથાવત, હિંસા કેસમાં 10 FIR; 2 હજાર CRPF જવાનો તૈનાત
આ પણ વાંચો :દિલ્હી કૂચ પર ખેડૂતો અડગ: સરકાર સાથે ચર્ચા છતાં આંદોલન યથાવત, સરહદો પર હાઈ એલર્ટ
