Valsad News/ વલસાડમાં પૂર વચ્ચે મેગા રેસ્ક્યુ ઓપરેશન: હેલિકોપ્ટરથી યુવકનો બચાવ, 12,754 લોકોનું સ્થળાંતર

Valsad Flood: વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરથી પ્રથમ એર રેસ્ક્યુ કરવામાં આવ્યું. 12,754 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, 352 લોકોનું રેસ્ક્યુ કરાયું અને અનેક વિસ્તારોમાં રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

Top Stories Gujarat
Valsad Flood: હેલિકોપ્ટરથી મેગા રેસ્ક્યુ

Valsad Heavy Rain: વલસાડ જિલ્લામાં પૂરની (Valsad Flood) ગંભીર સ્થિતિ વચ્ચે દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની મદદથી પ્રથમ એર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. વાપીના સલવાવ વિસ્તારમાં હ્યુન્ડાઈ શોરૂમ નજીક વીજ પોલ પર જીવ બચાવવા ચઢી ગયેલા યુવકને હેલિકોપ્ટર મારફતે (Coast Guard Helicopter Rescue) સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. યુવક ગત દિવસથી તંત્રની મદદની રાહ જોઈ રહ્યો હતો.

Valsad Flood: બોટ ન પહોંચી શકે તેવા વિસ્તારોમાં હવે હેલિકોપ્ટરથી બચાવ કામગીરી

જિલ્લાના અનેક વિસ્તારોમાં પૂરના પાણીનો પ્રવાહ (Valsad Flood) એટલો વધુ છે કે ત્યાં NDRFની બોટ પણ પહોંચી શકતી નથી. આવી સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રએ દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની મદદ લીધી છે. હવે હેલિકોપ્ટર મારફતે દુર્ગમ વિસ્તારોમાં ફસાયેલા લોકોને ઝડપી રીતે સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવશે.

12,754 લોકોનું સ્થળાંતર, 352 લોકોનું સફળ રેસ્ક્યુ

જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ 12,754 લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે NDRF અને SDRFની ટીમોએ 352 લોકોને પૂરના પાણીમાંથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડ્યા છે.

ઔરંગા અને સ્વર્ગવાહિની નદી ઓવરફ્લો, હાલર તળાવ પણ છલકાયું

સતત ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી અને ધરમપુરની સ્વર્ગવાહિની નદી ઓવરફ્લો થઈ છે. ઉપરાંત વલસાડ શહેરનું હાલર તળાવ પણ છલકાતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ભારે વરસાદથી જાનમાલનું નુકસાન

મુશળધાર વરસાદ અને તેજ પવનના કારણે જિલ્લામાં અનેક સ્થળોએ નુકસાન નોંધાયું છે. કુલ 18 પશુઓના મોત થયા છે, જ્યારે 27 કાચા મકાન, 11 પાકા મકાન અને એક કેટલ શેડને નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત છ જેટલા વૃક્ષો ધરાશાયી થતાં રસ્તાઓ અવરોધાયા હતા, જેને વન વિભાગે તાત્કાલિક દૂર કરીને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો.

રાહત શિબિરોમાં રહેવા-જમવાની વ્યવસ્થા, સેવાભાવી સંસ્થાઓ પણ મદદે

સ્થળાંતરિત લોકોને શેલ્ટર હોમમાં રહેવા, જમવા અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર સાથે સેવાભાવી સંસ્થાઓ પણ જોડાઈ છે અને અસરગ્રસ્ત લોકોને આશરે 300 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

તંત્ર સતત એલર્ટ, રાહત કામગીરી યથાવત

વલસાડ જિલ્લામાં પૂરની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર, NDRF, SDRF અને અન્ય વિભાગોની ટીમો સતત મેદાનમાં કાર્યરત છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જ્યાં જરૂર પડશે ત્યાં વધુ બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવશે.


આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદનો પ્રચંડ કહેર: પારસનગરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરો દટાયા

આ પણ વાંચો: વલસાડમાં ભારે વરસાદનો કહેર: સંજાણ-હુમારણ બ્રિજનો ભાગ તૂટ્યો, ઉમરગામમાં સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી કલાકો ભારે: હવામાન વિભાગનું રેડ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી