Ahmedabad News: અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Ahmedabad Airport ) સાથે જોડાયેલા પોલીસ સ્ટેશનમાં NRI યુવક સાથે કથિત ગેરવર્તણૂકનો મામલો ચર્ચામાં આવ્યો છે. કુવૈત જવા માટે એરપોર્ટ પર પહોંચેલા આદિત્ય નામના યુવક અને એરપોર્ટ (Ahmedabad Airport ) કર્મચારીઓ વચ્ચે ફ્લાઇટ છૂટી જવા સંબંધિત મુદ્દે બોલાચાલી થયા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ યુવક દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનના ASI પર લાફો મારવા અને કોલર પકડવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફ્લાઇટના મુદ્દે બોલાચાલી બાદ પોલીસને બોલાવવામાં આવી
મળતી માહિતી મુજબ, કુવૈત જવા માટે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport ) પહોંચેલા આદિત્ય નામના યુવકનો એરપોર્ટ કર્મચારીઓ સાથે કોઈ બાબતે વિવાદ થયો હતો. આ દરમિયાન ફ્લાઇટ છૂટી જવાના મુદ્દે બોલાચાલી થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલો એરપોર્ટ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જ્યાં યુવક અને તેની માતા હાજર હતા.
માતા મોબાઈલથી ફોટો પાડતી હોવાનો દાવો
આદિત્યના જણાવ્યા અનુસાર, પોલીસ સ્ટેશનમાં સમગ્ર પરિસ્થિતિ દરમિયાન તેની માતા મોબાઈલ ફોનથી ફોટો લઈ રહી હતી. આ બાબતને લઈને પોલીસ સ્ટેશનમાં હાજર ASI સાથે તેમની બોલાચાલી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારનો દાવો છે કે ASIએ યુવકની માતા પાસેથી મોબાઈલ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મામલો વધુ ઉગ્ર બન્યો હોવાનો આરોપ છે.

Ahmedabad Airport પર ASIએ લાફો માર્યો અને કોલર પકડ્યો હોવાનો આક્ષેપ
આદિત્ય દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ, પરિસ્થિતિ દરમિયાન ASIએ તેને લાફો માર્યો હતો. ત્યારબાદ તેનો કોલર પકડીને તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો પોલીસ સ્ટેશન જેવી જગ્યાએ નાગરિક સાથે પોલીસ કર્મચારીના વર્તન અંગે ગંભીર સવાલો ઊભા થઈ શકે છે. જોકે, હાલ સમગ્ર મામલે આદિત્ય દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થવાની બાકી છે.
ઉચ્ચ અધિકારીઓ પાસે તપાસની માંગ
ઘટનાને લઈને પીડિત પરિવાર દ્વારા સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. સાથે જ સંબંધિત પોલીસ કર્મચારી સામે આક્ષેપોની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. હાલ આ સમગ્ર મામલામાં પોલીસ તરફથી સત્તાવાર રીતે શું કહેવામાં આવ્યું છે અને CCTV અથવા અન્ય પુરાવાના આધારે ઘટનાની હકીકત શું છે તે તપાસ બાદ વધુ સ્પષ્ટ થઈ શકે છે.
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર અચાનક ઈમરજન્સી! ફ્લાઇટમાં ‘BOMB’ની ચિઠ્ઠી મળતાં 32 મુસાફરોને ઉતારાયા
