Ahmedabad News : અમદાવાદની એક સ્કૂલમાં લિવિંગ સર્ટિફિકેટ મામલે ઉશ્કેરાયેલા વાલીએ શિક્ષકને ચાકૂ મારી દેતા ચકચાર મચી છે. આ મામલે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની વિગત મુજબ રખિયાલમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલયમાં દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ લેવા આવેલા વાલીએ સ્કૂલના શિક્ષક પર છરી વડે હુમલો કર્યો હતો.
શિક્ષકે શુક્રવારે એલસી લેવા આવવાનું કહ્યું, જેથી વાલીએ ઉશ્કેરાઈને પહેલા શિક્ષકને લાફો મારી દીધો. ત્યાર બાદ શિક્ષકના માથે છરી મારી દીધી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં વાલી શિક્ષકને ખિસ્સામાંથી છરી કાઢીને મારતા દેખાય છે. આ અંગે શિક્ષકે વાલી વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રખિયાલમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલયમાં શનિવારે(28 જૂન) હાજી મુસ્તાક અહેમદ તેમની ધોરણ 6માં અભ્યાસ કરતી દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ લેવા માટે સ્કૂલમાં ગયા હતા. જ્યાં તેઓ સૌપ્રથમ સ્કૂલના પ્રિન્સિપાલને મળ્યા હતા. સ્કૂલના પ્રિન્સિપાલને મળીને તેઓ બહાર ક્લાર્ક-કમ-શિક્ષક શબ્બીર શેખને મળ્યા હતા. શબ્બીર શેખને એલસી માટેની વાતચીત કરી હતી. ત્યારે શબ્બીરs તેમને જણાવ્યું હતું કે શુક્રવારે તમે એલસી લેવા માટે આવજો. ત્યારે હાજી મુસ્તાક ઉશ્કેરાઈ ગયો અને તેને કહ્યું કે પ્રિન્સિપાલે સોમવારે સર્ટિફિકેટ આપવા માટે કહ્યું છે, તું કેમ મને શુક્રવારનું કહે છે.
આ વાતથી હાજી મુસ્તાક ઉશ્કેરાઈ ગયો અને તેણે શિક્ષક શબ્બીર શેખને લાફો મારી દીધો, એ બાદ શબ્બીરભાઈ ઊભા થયા ત્યારે હાજી મુસ્તાકે તેના ખિસ્સામાંથી છરી કાઢીને શબ્બીર શેખના માથાના ભાગે છરી મારી દીધી હતી. આ દરમિયાન સ્કૂલનો સ્ટાફ ભેગો થતાં બંનેને છોડાવ્યા હતા. શબ્બીર શેખને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને માથાના ભાગે ઈજા થતાં 7 ટાંકા આવ્યા છે. આ અંગે શબ્બીર શેખે રખિયાલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં વાલી શિક્ષકને ખિસ્સામાંથી છરી કાઢીને મારતા દેખાય છે. રખિયાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં
