Valsad News : દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ અને પૂર (Valsad Flood)ની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર સંપૂર્ણપણે એક્શનમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)મોડી રાત્રે વલસાડ પહોંચ્યા (Valsad Visit)અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેક્ટરે વલસાડ જિલ્લામાં પૂર (Valsad Flood)જેવી પરિસ્થિતી અને રાહત કામગીરીની માહિતી આપી

જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને જિલ્લામાં સર્જાયેલી પૂર (Valsad Flood)જેવી પરિસ્થિતિ, રાહત અને બચાવ કામગીરી (Rescue Operation)અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ઉમરગામમાં એક જ દિવસમાં 1026 મી.મી. (42.56 ઈંચ) વરસાદ નોંધાયો હતો, જ્યારે કપરાડા તાલુકામાં સમગ્ર સિઝનમાં સૌથી વધુ 2566 મી.મી. (102.64 ઈંચ) વરસાદ વરસ્યો છે. મધુબન ડેમમાંથી પાણી છોડાતા અનેક નદીઓ બંને કાંઠે વહી હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
12 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર
પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્રએ માત્ર એક જ દિવસમાં 12,376 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સફળ કામગીરી કરી હતી. આ કામગીરી બદલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા કલેક્ટર સહિત સમગ્ર ટીમ વલસાડને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે જણાવ્યું કે એકપણ જાનહાનિ વિના લોકોનું સુરક્ષિત સ્થળાંતર અને રેસ્ક્યૂ (Rescue Operation)કરવું અત્યંત પડકારજનક કાર્ય હતું, જે જિલ્લા તંત્રએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.
હવે સૌથી મોટો પડકાર સફાઈ અને આરોગ્ય
હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ જણાવ્યું કે પાણી ઓસર્યા બાદ હવે સૌથી મહત્વનું કામ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી સફાઈ અને લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા છે. તેમણે પાલિકા અને તંત્રને વધારાનો સ્ટાફ, જેસીબી, ટ્રક અને અન્ય સાધનો ઉપલબ્ધ કરાવી યુદ્ધના ધોરણે સફાઈ હાથ ધરવા સૂચના આપી હતી.
ઉમરગામ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમજ ગંદકીના થર દૂર કરવા ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
આરોગ્ય કેમ્પ અને રોગચાળો અટકાવવા સૂચના
નાયબ મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય તપાસ કેમ્પ શરૂ કરવા, સડેલા અનાજ અને નુકસાન પામેલા ઘરવખરીના સામાનનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવા તેમજ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને સતત સતર્ક રહેવા સૂચના આપી હતી.
અસરગ્રસ્તોને કેશડોલ્સ અને રાશન કીટ મળશે
પૂરનું પાણી ઓસરતા જ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક કેશડોલ્સ અને રાશનની કીટ ઉપલબ્ધ કરાવવા માટે હર્ષ સંઘવીએ તંત્રને આદેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે કોઈપણ ગામ કે અંતરિયાળ વિસ્તારનો એકપણ વ્યક્તિ સરકારી સહાયથી વંચિત ન રહે તેની ખાતરી કરવી.
વીમા કંપનીઓ સાથે બેઠક યોજાશે
પૂરના કારણે વેપારીઓ અને દુકાનદારોને થયેલા નુકસાન અંગે વીમા કંપનીઓ સાથે બેઠક યોજી અસરગ્રસ્તોના ક્લેમ ઝડપથી મંજૂર થાય તે માટે પણ નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
રાજ્ય સરકારે વલસાડ જિલ્લામાં રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે 17 જેટલા વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક પણ કરી છે.
વલસાડ રેલવે સ્ટેશન અને ઔરંગા નદીની મુલાકાત
સમિક્ષા બેઠક બાદ હર્ષ સંઘવીએ વલસાડ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ ટ્રેન રદ થવાને કારણે અટવાયેલા મુસાફરો સાથે મુલાકાત કરી હતી. સ્ટેશન માસ્ટર પાસેથી ટ્રેન વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત ઔરંગા નદીના પુલ અને છીપવાડ વિસ્તારમાં પહોંચી પાણીના પ્રવાહનું નિરીક્ષણ કરી સ્થાનિક સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ પણ વાંચો:અમદાવાદ ગોમતીપુરમાં પાણી ભરાવાથી વ્યક્તિનું મોત: પાણીમાંથી મૃતદેહ મળતા તંત્ર સામે રોષ
આ પણ વાંચો:નવસારીમાં જળપ્રલય વચ્ચે વાયુસેનાની મદદ, ઝીંગા ફાર્મમાં ફસાયેલા 30થી વધુ લોકોનું એરલિફ્ટથી રેસ્ક્યૂ
