New Delhi News: દેશભરમાં NEET પેપર લીક મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે કેન્દ્ર સરકાર વધુ કડક કાયદાની તૈયારીમાં છે. ‘પબ્લિક એક્ઝામિનેશન (અનફેર મીન્સની રોકથામ) એક્ટ, 2024’માં સુધારા કરીને પેપર લીકના આરોપીઓ સામે વધુ કડક સજાની જોગવાઈ કરવામાં આવી શકે છે. સરકાર 10 વર્ષ સુધીની જેલ, ₹10 કરોડ સુધીનો દંડ અને ફાસ્ટ-ટ્રેક કોર્ટની વ્યવસ્થા લાવવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે.
Paper Leak વિરુદ્ધ કડક કાયદાની તૈયારી
કેન્દ્ર સરકાર ‘પબ્લિક એક્ઝામિનેશન એક્ટ (Public Examination Act), 2024’માં સુધારો કરવાની તૈયારીમાં છે. મીડિયા અહેવાલો મુજબ, આ પ્રસ્તાવને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી શકે છે. સુધારા બાદ પેપર લીકમાં સંડોવાયેલા લોકોને વધુ કડક સજા અને ભારે દંડની જોગવાઈ કરવામાં આવશે.
10 વર્ષની જેલ અને 10 કરોડ સુધીના દંડનો પ્રસ્તાવ
પ્રસ્તાવિત સુધારાઓ મુજબ પેપર લીકના ગંભીર કેસોમાં દોષિતોને 10 વર્ષ સુધીની જેલ અને 10 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. હાલના કાયદા હેઠળ પેપર લીકના ગુનામાં 3થી 5 વર્ષની જેલ અને ₹10 લાખ સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે સંગઠિત ગુનામાં 5થી 10 વર્ષની જેલ અને ઓછામાં ઓછો 1 કરોડનો દંડ થઈ શકે છે.
ફાસ્ટ-ટ્રેક કોર્ટની પણ તૈયારી
સરકાર પેપર લીકના કેસોનો ઝડપથી નિકાલ થાય તે માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ (Fast Track Court)ની જોગવાઈ ઉમેરવાની પણ તૈયારી કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ અગાઉ પણ પેપર લીકના કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ શરૂ કરવાની વાત કરી હતી. કેબિનેટની મંજૂરી બાદ આગામી દિવસોમાં આ સંબંધિત સુધારા બિલ સંસદમાં રજૂ થઈ શકે છે.
PM મોદીના નિવેદનને લઈ રાહુલ ગાંધીના પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેપર લીક લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર માટે ગંભીર મુદ્દો છે. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક પગલાં લેવામાં આવ્યા છે, આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં તે માટે સમયસર પરીક્ષાઓ યોજવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે છેલ્લા 10 વર્ષમાં 150થી વધુ વખત પેપર લીક થયા છે અને હજુ સુધી કોઈ દોષિતને અસરકારક સજા મળી નથી.
આ પણ વાંચો:“વિદ્યાર્થીઓની વાત સાંભળવી જરૂરી”: NEET પેપર લીક વિવાદમાં શુભમન ગિલ અને ઈરફાન પઠાણનો આંદોલનને ટેકો
આ પણ વાંચો: NEET પેપર લીક મુદ્દે PM મોદીનું નિવેદન: પેપર લીક ઘોર પાપ છે, દોષિતોને આપીશું કડક સજા
