પશ્ચિમ એશિયા (West Asia)માં જુલાઈ મહિનાની શરૂઆતમાં સીઝફાયર ભંગ થયા બાદ સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે, જેની સીધી અને ગંભીર અસર ભારતના વિદેશી વેપાર પર પડી છે. વૈશ્વિક દરિયાઈ માર્ગોમાં સર્જાયેલા અવરોધોને કારણે મુખ્ય દેશો માટેના શિપિંગ કન્ટેનર (ShippingRates )ના ભાડાં રાતોરાત બમણા થઈ ગયા છે. આ સાથે જ ભારતીય બંદરો પર કન્ટેનરની તીવ્ર અછત સર્જાતાં આયાત-નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા છે.પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે જૂન મહિનાની સરખામણીએ જુલાઈમાં અમેરિકા અને યુરોપ મોકલવામાં આવતા કન્ટેનરોના દર 90% થી 100% સુધી વધી ગયા છે.
શિપિંગ દર અને એર કાર્ગો ભાડામાં મોટો ઉછાળો
યુએસ ઈસ્ટ કોસ્ટ (પૂર્વ કિનારો): 40 ફૂટના કન્ટેનરનો ભાડા દર જૂનના $3,400 થી વધીને $6000 પર પહોંચ્યો છે.
યુએસ વેસ્ટ કોસ્ટ (પશ્ચિમ કિનારો): કન્ટેનરનો દર $4,100 થી ઉછળીને $7,300 નોંધાયો છે.
યુરોપિયન રૂટ: યુરોપ મોકલવામાં આવતા કન્ટેનરનો ખર્ચ $1,700 થી સીધો વધીને $3,800 થયો છે.
એર કાર્ગો ભાડાં: દરિયાઈ માર્ગોમાં અનિશ્ચિતતાને પગલે હવાઈ માર્ગે માલસામાન મોકલવાનો દર ₹100 પ્રતિ કિલોથી વધીને ₹400 પ્રતિ કિલો થયો છે.
બંદરો પર કન્ટેનરનો ભરાવો અને આત્મનિર્ભરતાની જરૂરિયાત
ઘણી વૈશ્વિક શિપિંગ લાઈનોએ ભારતીય બંદરો પર આવવાનું ટાળીને (બ્લેન્ક કોલ્સ) રૂટ ડાયવર્ટ કર્યા છે. આ ઉપરાંત ચીને જુલાઈથી ડિસેમ્બર સુધીની પોતાની નિકાસ સીઝન માટે બજારના કન્ટેનરો રોકી રાખ્યા હોવાથી અછત વધુ ઘેરી બની છે. હાલમાં 5 કન્ટેનરની માંગ સામે માંડ 2 કન્ટેનર ઉપલબ્ધ થઈ રહ્યા છે.
વારંવાર સર્જાતી આવી વૈશ્વિક કટોકટી વચ્ચે ભારતીય વેપારી મંડળોએ માંગ કરી છે કે દેશમાં જ મજબૂત ભારતીય શિપિંગ લાઈન્સ અને કન્ટેનર ઉત્પાદન ક્ષમતા વિકસાવવી હવે અત્યંત જરૂરી બની ગઈ છે.
આ પણ વાંચો :સોના-ચાંદીના ભાવમાં મસમોટો ઉછાળો, ક્રૂડ પણ 90 ડોલરને પાર
આ પણ વાંચો :ડિજિટલ ગોલ્ડમાં રોકાણકારોનો પ્રચંડ ક્રેઝ: પ્રથમ છ મહિનામાં વેચાણમાં ૩ ગણો ઉછાળો
આ પણ વાંચો :સ્માર્ટફોન માર્કેટમાં મંદીનો મોટો આંચકો, મેમરી ચિપ મોંઘી થતાં મોબાઈલના ભાવમાં 15%નો ઉછાળો
