Navsari News : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ નવસારી જિલ્લામાં સર્જાયેલી ગંભીર પૂર (Navsari Flood)ની પરિસ્થિતિને પગલે રાજ્ય અને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ (CR Patil)આજે નવસારી પહોંચ્યા હતા. બંને નેતાઓએ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હાલની સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી.
ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ઉચ્ચસ્તરીય બેઠક
નવસારી પહોંચ્યા બાદ હર્ષભાઈ સંઘવી અને સી.આર. પાટીલે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર, સ્થાનિક ધારાસભ્યો, પ્રભારી સચિવ યાત્રા અગ્રવાલ સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પૂરથી પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ, બચાવ કામગીરી, રાહત કેમ્પો, પીવાના પાણી, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ અને અન્ય આવશ્યક સુવિધાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત
બેઠક પૂર્ણ થયા બાદ બંને નેતાઓ અધિકારીઓ સાથે સીધા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે પાણી ઓસર્યા બાદ થયેલા નુકસાનનું સ્થળ પર નિરીક્ષણ કર્યું તેમજ અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરીને તેમની સમસ્યાઓ અને જરૂરિયાતોની માહિતી મેળવી હતી.
સહાય કામગીરીને મળશે વધુ વેગ
સરકાર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાન (Navsari Flood Damage)નો તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને પીડિતોને ઝડપથી સહાય પહોંચાડવા માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વહીવટી તંત્રને રાહત (Flood Relief)અને પુનઃસ્થાપન કામગીરી વધુ અસરકારક રીતે આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી અસરગ્રસ્ત લોકોને ઝડપથી સામાન્ય જીવન તરફ પરત લાવી શકાય.
આ પણ વાંચો:મહેસાણામાં આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી, વહીવટી તંત્ર એલર્ટ મોડ પર
આ પણ વાંચો:અમદાવાદના ધોળકામાં 18 ઇંચ વરસાદથી રસ્તા જળબંબાકાર
આ પણ વાંચો:વિરમગામમાં ભારે વરસાદનો કહેર: પાણીમાં ડૂબતા યુવકનું મોત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ
