Gujarat News: ગુજરાતમાં અવિરત વરસાદે (Heavy Rain)જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 265 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના સાંતલપુરમાં 15 ઇંચ અને રાધનપુરમાં 13.46 ઇંચ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં 40,500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 6,367 લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરાયું છે. હવામાન વિભાગે આજે (25 જુલાઈ) પણ રાજ્યના 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં Heavy Rain- સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ
છેલ્લા 24 કલાકમાં પાટણ (Patan)ના સાંતલપુર (Santalpur)માં 15 ઇંચ અને રાધનપુરમાં 13.46 ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના ભાભરમાં 11.30 ઇંચ, દિયોદરમાં 10.83 ઇંચ અને ખેડાના નડિયાદમાં 10.31 ઇંચ વરસાદ વરસ્યો છે. કુલ 10 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં 139 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં દિયોદરમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ પડ્યો છે.
40,500 લોકોનું સ્થળાંતર, 6,367 લોકોનું રેસ્ક્યૂ
ભારે વરસાદને કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા શુક્રવારે 40,500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વિવિધ જિલ્લાઓમાંથી કુલ 6,367 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. નવસારીના ભાટ ગામ નજીક ઝીંગા ફાર્મમાં ફસાયેલા 30થી વધુ લોકોને એરલિફ્ટ કરીને બચાવવામાં આવ્યા હતા.
સુરત અને નવસારીમાં મૃતદેહ મળી આવ્યા
પૂરના પાણીમાં તણાઈ જવાની ઘટનાઓમાં સુરત (Surat)માં 2 અને નવસારીમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અમરેલી જિલ્લામાં અઢી વર્ષની બાળકી અને એક ખેતમજૂરનું પણ મોત થયું છે. વિરપુર નજીક ઘોડાપૂરમાં કાર તણાવાની ઘટનામાં 70 વર્ષીય ભીખાભાઈ ધનજીભાઈ ડોબરીયાનો મૃતદેહ 26 કલાકની શોધખોળ બાદ થોરાળા ડેમમાંથી મળી આવ્યો છે.
સુરતમાં ઢોર પકડવાની ગાડીમાં લોકો ઓફિસે પહોંચ્યા
સુરતના ખાડીપુર વિસ્તારમાં સતત ત્રીજા દિવસે કમર સુધીના પાણી ભરાતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આવન-જાવનના તમામ રસ્તા પાણીમાં ગરકાવ થતાં લોકો સુરત મહાનગરપાલિકાની ઢોર પકડવાની ગાડીમાં બેસીને ઓફિસ અને કામધંધે જવા મજબૂર બન્યા હતા. સ્થાનિકોએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરતાં કહ્યું કે દર વર્ષે આ સમસ્યા યથાવત રહે છે અને હવે લોકો પોતાના વતન રાજસ્થાન પરત જવાની ચીમકી આપી રહ્યા છે.
પૂરના પાણી વચ્ચેથી ગર્ભવતી મહિલાનું જીવ બચાવાયું
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ભારે વરસાદથી રસ્તાઓ બંધ થઈ જતા એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિ પીડા ઉપડી હતી. 108 એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી સ્થિતિ ન હોવાથી પાટડી પોલીસે જીવના જોખમે પૂરના પાણીમાંથી મહિલાનું રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ પહોંચાડી હતી.
સાંતલપુરમાં કોઝવે પર ટ્રક પલટી
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા-દહીસર માર્ગ પર આવેલા કોઝવે ઉપર ભારે પાણી વહેતા વચ્ચે પસાર થવાનો પ્રયાસ કરતી ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી. ઘટનાના કારણે માર્ગ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વડોદરામાં વરસાદના પાણી સાથે સાથે સાપ પણ આવ્યા
વડોદરાના ભાયલી અને સરદારનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સાથે જ લોકોના ઘરોમાં સાપ ઘૂસી આવતા ભારે દહેશત વ્યાપી ગઈ છે. ચોતરફ પાણી ભરાવાના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને સાપ દેખાતા સ્થાનિકો ઘરની બહાર નીકળવા મજબૂર બન્યા છે.
7 જિલ્લામાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આજે રાજ્યના 7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ (Red Alert)જાહેર કર્યું છે. ઉપરાંત વાવ-થરાદ, અમદાવાદ, રાજકોટ સહિત 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, જામનગર, નર્મદા, વલસાડ સહિત 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્રએ લોકોને નદી, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તથા જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.
