Valsad News : દક્ષિણ ગુજરાતમાં વરસેલા અતિભારે વરસાદે (Heavy Rain)વલસાડ (Valsad)જિલ્લામાં ભારે તારાજી સર્જી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં પારડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વાય.બી. ગોહિલે(Pardi PI Y B Gohil) પોતાની ફરજને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ભારે વરસાદ વચ્ચે (Heavy Rain)સોસાયટીમાં PI વાય.બી. ગોહિલનો પરિવાર પણ ફસાયેલો હતો
પારડીના અવધ સોસાયટી વિસ્તારમાં લગભગ 15 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે પ્રથમ માળ સુધી બિલ્ડિંગો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ જ સોસાયટીમાં PI વાય.બી. ગોહિલનો પરિવાર પણ ફસાયેલો હતો. છતાં તેમણે પોતાના પરિવારની ચિંતા કરતાં પહેલાં ફરજને પ્રાથમિકતા આપી.

બોટની મદદથી પ્રથમ માળની ગેલેરીમાંથી જોખમી રીતે નીચે ઉતરી તેઓ સીધા બચાવ કામગીરી માટે રવાના થયા. ત્યારબાદ દિવસ-રાત સતત પોલીસ સ્ટાફ સાથે મળીને તેમણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી.

PI ગોહિલ અને તેમની ટીમે લગભગ 500 જેટલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ (Rescue)કરીને સ્થળાંતર કરાવ્યા. એટલું જ નહીં, અનેક પાણીમાં ઘેરાયેલી સોસાયટીઓમાં ફૂડ પેકેટ અને જરૂરી મદદ પણ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
સૌથી સ્પર્શક બાબત એ રહી કે પોતાના પરિવારની મુશ્કેલીને ભૂલી તેમણે પહેલા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી. તમામ બચાવ કામગીરી પૂર્ણ કર્યા બાદ જ તેઓ પોતાના પરિવારને સુરક્ષિત સ્થળે લઈ જવા પહોંચ્યા.

આ ઘટનાએ પોલીસ વિભાગની ફરજનિષ્ઠા, માનવતા અને જવાબદારીનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. સોશિયલ મીડિયા પર પણ અનેક લોકો PI વાય.બી. ગોહિલના આ સમર્પણને સલામ કરી રહ્યા છે. નાગરિકો તેમના સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સતત સેવા માટે શુભેચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો:મહેસાણામાં આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી, વહીવટી તંત્ર એલર્ટ મોડ પર
આ પણ વાંચો:અમદાવાદના ધોળકામાં 18 ઇંચ વરસાદથી રસ્તા જળબંબાકાર
આ પણ વાંચો:વિરમગામમાં ભારે વરસાદનો કહેર: પાણીમાં ડૂબતા યુવકનું મોત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ
