Rajkot News : રાજકોટ (Rajkot)ના હિરાસર એરપોર્ટ (Hirasar Airport)પર વરસાદ દરમિયાન એરોબ્રિજમાંથી પાણી ટપકવાની ઘટના સામે આવતા એરપોર્ટના બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આધુનિક ટર્મિનલમાં વરસાદી પાણી લીક થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મળતી માહિતી મુજબ, આશરે રૂ. 326 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ટર્મિનલ બિલ્ડિંગમાં એરોબ્રિજમાંથી પાણી ટપકતું (Aerobridge Water Leakage)જોવા મળ્યું હતું. વરસાદ દરમિયાન મુસાફરોને આવન-જાવનમાં મુશ્કેલી પડી હતી અને એરપોર્ટના વિવિધ વિસ્તારોમાં પાણીના ટીપાં પડતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.
હિરાસર એરપોર્ટ (Hirasar Airport)ને રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટોમાં સ્થાન આપવામાં આવ્યું છે. જોકે કામગીરી શરૂ થયાના થોડા જ વર્ષોમાં આવી પ્રકારની ખામી સામે આવતાં બાંધકામની ગુણવત્તા અને દેખરેખ અંગે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે પણ આ ઘટનાને લઈને ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીના આક્ષેપો થઈ રહ્યા છે.
મુસાફરોનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચ છતાં જો વરસાદમાં એરોબ્રિજમાંથી પાણી ટપકે તો તે ગંભીર બાબત ગણાય. એરપોર્ટ ઓથોરિટીએ ઘટનાની તપાસ કરીને જરૂરી સમારકામ તેમજ જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે.
આ ઘટના બાદ ફરી એકવાર સરકારી પ્રોજેક્ટોમાં ગુણવત્તા નિયંત્રણ અને સમયસર જાળવણીની પ્રક્રિયા પર ચર્ચા શરૂ થઈ છે. હવે એરપોર્ટ તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.
