Ahmedabad News: અમદાવાદમાં અતિભારે વરસાદ બાદ બાવળા નજીક ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક(Gallops Industrial Park) સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર સ્થિતિ સર્જાતા અનેક લોકો ફસાઈ ગયા હતા.
Gallops Industrial Park: ડ્રોનમાં કેદ થયા આકાશી દ્રશ્યો
ડ્રોન દ્વારા કેદ થયેલા આકાશી દ્રશ્યોમાં સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક (Industrial Park Flood) પાણીમાં ડૂબેલો જોવા મળ્યો. વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિએ વિસ્તારના ઉદ્યોગો અને કર્મચારીઓને ભારે અસર પહોંચી છે.
બે દિવસમાં 910 લોકોનું સફળ રેસ્ક્યૂ
ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે ફસાયેલા કુલ 910 લોકોને છેલ્લા બે દિવસ દરમિયાન હોડીની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
રેન્જ આઈજીની આગેવાનીમાં બચાવ કામગીરી
સમગ્ર બચાવ કામગીરી રેન્જ આઈજીની આગેવાનીમાં હાથ ધરવામાં આવી હતી. પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ દળોએ સંકલન સાથે કામગીરી કરીને તમામ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા.રેસ્ક્યૂ કામગીરી પૂર્ણ થયા બાદ અસરગ્રસ્ત લોકોને ખાદ્ય પેકેટ અને જરૂરી સહાય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ વધુ સહાય પહોંચાડવાની કામગીરી ચાલુ છે.
બગોદરા-ધંધુકા હાઇવે બંધ: ધીંગડા નજીક પાણી ભરાતા ટ્રાફિક ડાયવર્ટ

ભારે વરસાદના પગલે બગોદરા-ધંધુકા હાઇવે પર ધીંગડા ગામ નજીક વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. માર્ગ પર પાણીનો ભરાવો વધતાં મુસાફરોની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.રાત્રિના સમયે માર્ગ વચ્ચેનો ડિવાઇડર પાણીમાં ઢંકાઈ જતાં તે સ્પષ્ટ દેખાતો નથી. જેના કારણે અકસ્માતની શક્યતા વધતાં પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે ટ્રાફિકને અન્ય માર્ગો તરફ વાળવામાં આવ્યો છે.
પોલીસ તંત્રએ વાહનચાલકોને બગોદરા-ધંધુકા હાઇવેને બદલે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે, જેથી ટ્રાફિકની અવરજવર સુગમ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને.ભારે વાહનો માટે પણ વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટરો અને ટ્રક ચાલકોને સૂચનાઓનું પાલન કરી નિર્ધારિત માર્ગ પરથી જ અવરજવર કરવા જણાવાયું છે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SEOCની મુલાકાત લઈને વરસાદી સ્થિતિની સમીક્ષા કરી, ઉત્તર ગુજરાત માટે એલર્ટ
આ પણ વાંચો: અમદાવાદ-વિરમગામ હાઇવે ફરી શરૂ, પરંતુ ટુ-વ્હીલર વાહનો પર હજુ પ્રતિબંધ
આ પણ વાંચો: અમદાવાદના નારણપુરામાં લક્ઝરી પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી, 48 પરિવારો બે દિવસથી ઘરવિહોણા
