Rajkot News : રાજકોટ (Rajkot)શહેર માટે મહત્વપૂર્ણ માનવામાં આવતી ગ્રીન કોરિડોર (Green Corridor)યોજના હવે અમલમાં આવશે નહીં. કટારિયા ચોકડીથી વગડ ચોક સુધી પ્રસ્તાવિત આ યોજના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા રદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સાથે જ યોજનાને મળવાની આશા રાખવામાં આવેલી ₹220 કરોડની ગ્રાન્ટ (₹220 Crore Grant)પણ હવે નહીં મળે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
માહિતી મુજબ, શહેરી વિકાસ મંત્રાલયે ગ્રાન્ટ ફાળવવાનો ઇનકાર કરતાં તેના માટે બીજા રિંગ રોડના ચાલી રહેલા વિકાસકાર્યોનો હવાલો આપ્યો છે. મંત્રાલયનું માનવું છે કે હાલની પરિસ્થિતિમાં આ ગ્રીન કોરિડોર માટે અલગથી ગ્રાન્ટ મંજૂર કરવાની જરૂરિયાત નથી.
આ નિર્ણય બાદ રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના આયોજન અને રજૂઆત અંગે સવાલો ઊભા થયા છે. મનપાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ગંભીર વહીવટી ભૂલને કારણે શહેરને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગુમાવવાનો વારો આવ્યો હોવાની ચર્ચા જોર પકડી રહી છે.
ગ્રીન કોરિડોર યોજના રદ થતાં શહેરના ટ્રાફિક વ્યવસ્થાપન, રોડ કનેક્ટિવિટી અને ભવિષ્યના શહેરી વિકાસને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. હવે મનપા આગામી સમયમાં નવી યોજના તૈયાર કરશે કે પછી અન્ય વિકલ્પો શોધશે તેના પર સૌની નજર રહેશે.
રાજકોટમાં કટારિયા ચોકડીથી વગડ ચોક સુધી પ્રસ્તાવિત 9 કિલોમીટરનો ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ હાલ અટકી ગયો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે આ પ્રોજેક્ટ માટે માંગવામાં આવેલા ₹220 કરોડના અનુદાનને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.
માહિતી મુજબ જામનગર રોડથી ગોંડલ રોડ હાઈવે કોરાટ ચોક સુધીના 19 કિલોમીટર લાંબા બીજા રિંગ રોડ માટે અગાઉથી જ સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને મોટા ભાગનું કામ પણ પૂર્ણતાની નજીક છે. ત્યારબાદ ઓગસ્ટ-2025માં મનપાએ આ જ રિંગ રોડના 9 કિલોમીટર વિસ્તારમાં ગ્રીન કોરિડોર વિકસાવવા અલગથી ₹220 કરોડની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી હતી.
શરૂઆતમાં સરકારે પ્રોજેક્ટ અંગે હકારાત્મક વલણ અપનાવી જરૂરી વિગતો મંગાવી હતી. પરંતુ તપાસ દરમિયાન શહેરી વિકાસ વિભાગને જાણવા મળ્યું કે ગ્રીન કોરિડોર માટે માંગવામાં આવેલી ગ્રાન્ટ એ જ બીજા રિંગ રોડના ચાલુ પ્રોજેક્ટના ભાગ માટે છે, જેના માટે પહેલેથી જ અનુદાન ફાળવાઈ ચૂક્યું છે.
સરકારે સ્પષ્ટ કર્યું કે એક જ ચાલુ પ્રોજેક્ટમાં બાદમાં અલગ યોજના ઉમેરીને નવી ગ્રાન્ટ આપી શકાય નહીં. પરિણામે ₹220 કરોડની માંગ ફગાવી દેવામાં આવી છે.
આ નિર્ણય બાદ ગ્રીન કોરિડોરનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. મનપાના જણાવ્યા મુજબ હવે યુએસએફ (USF) સહિત અન્ય યોજનાઓ હેઠળ સરકાર પાસે નવી ગ્રાન્ટ માંગવામાં આવશે જેથી રિંગ રોડ અને ગ્રીન કોરિડોરનું કામ પૂર્ણ કરી શકાય.
મનપાએ પોતાના બચાવમાં જણાવ્યું છે કે રિંગ રોડના ટેન્ડર બાદ ગ્રીન રોડ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને રાજ્ય સરકારે શરૂઆતમાં રાજકોટ તથા ગાંધીધામ મનપાના પ્રસ્તાવને માન્યતા પણ આપી હતી. જોકે હવે નવી ગ્રાન્ટ નહીં મળતાં વૈકલ્પિક નાણાંકીય વ્યવસ્થા શોધવાની પ્રક્રિયા હાથ ધરાશે.
આ ઉપરાંત મનપાએ જણાવ્યું છે કે સ્માર્ટ સિટી વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોરનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે રૈયા ચોકડીથી સ્માર્ટ સિટી સુધીના બીઆરટીએસ કોરિડોરનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જે 150 ફૂટ રિંગ રોડ સાથે જોડાશે.
