New Delhi News : દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court)મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપતાં સ્પષ્ટ કર્યું છે કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવું દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. કોર્ટના મતે પ્રથમ દૃષ્ટિએ પોલીસ દ્વારા વધુ પડતા બળપ્રયોગના ગંભીર આક્ષેપો સામે આવ્યા હોવાથી સમગ્ર ઘટનાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ જરૂરી બની છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી દરમિયાન જણાવ્યું કે લોકશાહીમાં વિરોધ પ્રદર્શન થતા જ રહેવાના છે અને પોલીસની કાર્યવાહી પણ કાયદાકીય મર્યાદામાં જ હોવી જોઈએ. કોર્ટએ 18 વર્ષથી ઓછી ઉંમરના અને જેમની સામે અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ નથી એવા તમામ સગીર વિરોધીઓને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના ચાર મહત્વપૂર્ણ વચગાળાના આદેશ
- 18 વર્ષથી ઓછી ઉંમરના અને ગુનાહિત રેકોર્ડ ન ધરાવતા તમામ સગીર વિરોધીઓને તાત્કાલિક મુક્ત કરવા.
- પોલીસ દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરાવવા.
- CCTV, ડ્રોન, બોડી કેમેરા સહિત તમામ ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવા.
- દિલ્હી સહિત આઠ રાજ્યો પાસેથી જવાબ માંગવામાં આવ્યો, તેમજ નિર્દોષ લોકો સામે કડક કાર્યવાહી નહીં કરવાનો નિર્દેશ.
કોર્ટે શું કહ્યું?
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે અરજીઓમાં પોલીસ બળપ્રયોગ, પેલેટ ગન, રબર બુલેટ, ઇલેક્ટ્રિક બેટન અને અન્ય ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. એક વિદ્યાર્થીએ આંખની દૃષ્ટિ ગુમાવ્યાનો તથા અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયાના દાવાઓ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા.
કોર્ટના મતે આ તમામ આરોપોની નિષ્પક્ષ તપાસ જરૂરી છે જેથી પોલીસ અને પ્રદર્શનકારીઓ બંનેના દાવાઓની પારદર્શક રીતે ચકાસણી થઈ શકે.
કેન્દ્ર સરકારનો પક્ષ
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ કાયદો તોડનારાઓ સામે કાર્યવાહી થવી જ જોઈએ.
તેમણે દાવો કર્યો કે આ સમગ્ર ઘટનામાં 250થી વધુ પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. જોકે તેમણે એ પણ સ્વીકાર્યું કે જો કોઈ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હશે તો જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.
જૂના પોલીસ પ્રોટોકોલની સમીક્ષા થશે

સુપ્રીમ કોર્ટે (Supreme Court)જણાવ્યું કે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી (Police Action) અંગે અગાઉ બનાવવામાં આવેલા નિયમોની હવે સમીક્ષા કરવાની જરૂર છે.
સુપ્રીમ કોર્ટે (Supreme Court)કહ્યું કે 2018માં બનાવાયેલા માર્ગદર્શિકા નિયમો 2026ની પરિસ્થિતિમાં કેટલા અસરકારક છે તેની તપાસ કરવી જોઈએ. વિરોધ શરૂ થતાં જ પોલીસ કઈ પ્રક્રિયા અપનાવે તે અંગે સ્પષ્ટ અને આધુનિક પ્રોટોકોલ તૈયાર થવો જોઈએ.
તપાસમાં શું તપાસાશે?
સ્વતંત્ર તપાસ દરમિયાન નીચેના મુદ્દાઓ પર ખાસ ધ્યાન અપાશે.
- પોલીસ દ્વારા બળપ્રયોગ જરૂરી હતો કે નહીં.
- પેલેટ ગન અને રબર બુલેટનો ઉપયોગ યોગ્ય રીતે થયો કે નહીં.
- ઇલેક્ટ્રિક બેટન સહિતના સાધનોનો ઉપયોગ થયો હતો કે નહીં.
- વિદ્યાર્થીઓ તથા પત્રકારો પર હુમલાના આક્ષેપોની તપાસ.
- ડિજિટલ પુરાવા અને વીડિયો ફૂટેજનું વૈજ્ઞાનિક વિશ્લેષણ.
- પોલીસ અને પ્રદર્શનકારીઓ બંનેના દાવાઓની ચકાસણી.
આઠ રાજ્યોને નોટિસ
સુપ્રીમ કોર્ટે (Supreme Court)દિલ્હી ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, કેરળ, ઉત્તર પ્રદેશ, આસામ અને પશ્ચિમ બંગાળ સરકારોને પણ નોટિસ ફટકારી છે. તમામ રાજ્યોને પોતાની કાર્યવાહી અંગે વિગતવાર જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આગામી સુનાવણી ક્યારે?
આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી 3 ઓગસ્ટે નક્કી કરી છે. જો જરૂરી બનશે તો કોર્ટ વધુ વચગાળાના આદેશો પણ જાહેર કરી શકે છે.
સમગ્ર મામલો શું છે?
20 જુલાઈએ વિદ્યાર્થી સંગઠન દ્વારા જંતર-મંતરથી સંસદ સુધી વિરોધ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન અનેક સ્થળોએ પોલીસ અને વિરોધકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસ દ્વારા ટીયર ગેસ, લાઠીચાર્જ અને અન્ય બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા હતા. બીજી તરફ પોલીસનું કહેવું છે કે વિરોધ દરમિયાન અસામાજિક તત્વો ઘૂસી જતા હિંસક પરિસ્થિતિ સર્જાઈ હતી.
આ સમગ્ર ઘટનાને લઈને અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેના આધારે કોર્ટે મહત્વપૂર્ણ વચગાળાના આદેશો આપ્યા છે.
