Monsoon Update India: દેશમાં ચોમાસાની સિસ્ટમ વધુ સક્રિય બનતા હવામાન વિભાગે આજે 29 જુલાઈ માટે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. ઉત્તર પ્રદેશમાં સર્જાયેલા ચક્રવાતી પરિભ્રમણની અસરને કારણે આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદી માહોલ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ 29 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન પૂર્વ ભારતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે અનેક સ્થળોએ વીજળી પડવાની અને 70થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે ખેડૂતોને પાકની સુરક્ષા માટે જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વરસાદી માહોલ
દિલ્હીમાં આજે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. અહીં 65થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશના નોઈડા, મેરઠ, આગ્રા, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ, અયોધ્યા સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બિહારના ગયા, પટના, ભોજપુર, ચંપારણ, વૈશાલી, મુઝફ્ફરપુર, દરભંગા, પૂર્ણિયા, ભાગલપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઝારખંડના રાંચી, બોકારો, ગિરિડીહ, હજારીબાગ અને અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ સાથે તેજ પવનની શક્યતા છે.
પહાડી રાજ્યોમાં યલો એલર્ટ
ઉત્તરાખંડના નૈનિતાલ, હરિદ્વાર, ઋષિકેશ, બાગેશ્વર, પિથોરાગઢ અને ચમોલી સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશના કાંગડા, મંડી, શિમલા, ચંબા, કુલ્લુ અને સોલન જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જમ્મુ-કાશ્મીરના જમ્મુ, પૂંચ, કુપવાડા, રાજૌરી અને અનંતનાગમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત
ગુજરાતમાં આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે.
જ્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા, અનાવશ્યક મુસાફરી ટાળવા અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
