Vadodara News : વડોદરા (Vadodara)જિલ્લાના પાદરા તાલુકામાં વ્યાજખોરી (Usury)અને ગીરવે મુકાયેલા દાગીના પરત ન આપવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. નરસિંહપુરા ગામના ખેડૂત મહેશભાઈ ઉર્ફે બકાભાઈ રમણભાઈ પઢીયાર અને તેમના પરિવાર દ્વારા પાદરા (Padra)પોલીસ મથકે સોની નીતિન ચંપકભાઈ ગાંધી (નીતિનકુમાર ચોક્સી) સામે લેખિત અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ફરિયાદ મુજબ, વર્ષ 2017થી 2019 દરમિયાન આર્થિક સંકટના કારણે પરિવારે પોતાના સોના-ચાંદીના દાગીના ગીરવે (Jewellery Mortgage) મૂકી કુલ રૂ.90,700 વ્યાજે લીધા હતા. આ માટે માસિક 3 ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું.
મૂડી કરતાં વધુ વ્યાજ ચૂકવ્યાનો દાવો
ફરિયાદમાં જણાવાયું છે કે ઓક્ટોબર-2019થી નવેમ્બર-2022 દરમિયાન પરિવારે દર મહિને રૂ.2,700 પ્રમાણે કુલ રૂ.1,02,600 વ્યાજ ચૂકવ્યું હતું. જોકે, આ રકમ સ્વીકાર્યાની કોઈ લેખિત રસીદ કે પહોંચ આપવામાં આવી નહોતી.
દાગીના પરત માંગતા બહાનાં
ડિસેમ્બર-2022માં મુદ્દલની રકમ પરત આપવા પહોંચેલા ખેડૂતે પોતાના દાગીના પરત માંગ્યા હતા. તે સમયે થોડા દિવસમાં દાગીના પરત આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં વારંવાર “દાગીના લોકરમાંથી મળતા નથી” જેવા બહાના બતાવી મામલો લંબાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
લગ્ન પહેલાં દાગીના માંગતા વિવાદ
માર્ચ-2026માં દીકરી અને દીકરાના લગ્ન નક્કી થતાં પરિવારને દાગીનાની જરૂરિયાત ઉભી થઈ હતી. ફરિયાદ મુજબ, પરિવાર સગા-સંબંધીઓ સાથે દાગીના લેવા પહોંચ્યો ત્યારે સોનીએ ચક્રવૃદ્ધિ વ્યાજનો હિસાબ બતાવી દાગીનાની કિંમત કરતાં વ્યાજ વધી ગયું હોવાનું કહી દાગીના પરત આપવાનો ઇનકાર કર્યો હતો. સાથે જ “થાય તે કરી લો” કહી ધાક-ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
પોલીસમાં ન્યાયની માંગ
આરોપ છે કે દાગીના પરત ન મળતાં પરિવારે સંતાનોના લગ્ન માટે ફરી વ્યાજે નાણાં મેળવી નવા દાગીના ખરીદવાની ફરજ પડી હતી. છેલ્લા ત્રણ વર્ષથી સતત ધક્કા ખાવા છતાં ન્યાય ન મળતાં આખરે પીડિત ખેડૂત દ્વારા પાદરા પોલીસ મથકે લેખિત અરજી કરી કાયદેસરની કાર્યવાહી અને ન્યાયની માંગ કરવામાં આવી છે.
