Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં બહુચર્ચિત અને સૌથી વધુ ચર્ચાસ્પદ એવા હાટકેશ્વર બ્રિજ (Hatkeshwar Bridge) કૌભાંડ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના 7 એન્જીનિયર અધિકારીઓને શો કોઝ નોટિસ (Show cause notice) પાઠવતા કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો છે. વિજીલન્સ તપાસ(Vigilance inquiry)માં અધિકારીઓની બેદરકારી સામે આવતા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
અમદાવાદમા હાટકેશ્વર બ્રિજમાં માત્ર 5 જ વર્ષમાં પુલ ખરાબ થવા લાગ્યો હતો. ગાબડા પડતા, વાહનચાલકોને જીવનું જોખમ હતું તેથી તેના સમારકામ અંગે પણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તપાસનીસ અધિકારીઓને કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રા. પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બ્રિજ બનાવવાની કામગીરીમાં શંકા ઊભી થઈ હતી. બાદમાં ગુણવત્તાયુક્ત બ્રિજ બનાવવામાં આવ્યો ન હોવાનું સાબિત થતા પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.

બ્રિજના નિર્માણકાર્યમાં ટેસ્ટ રિપોર્ટ પણ સંતોષકારક ન હોવાનું જણાતા તપાસ આગળ વધારાઈ હતી. લેબોરેટરી રિપોર્ટમાં પણ કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન કરાતા આખરે તપાસના અંતે સાત અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. હાટકેશ્વર બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટર તેમજ PMC એજન્સી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ પીએમસી એજન્સીને બ્લેકલિસ્ટ કરી તેના ખર્ચના જોખમે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય પણ લેવાયો હતો. જોકે, આ નિર્ણયનું હજુ અમલીકરણ કરાયું નથી.

7 અધિકારી સામે લેવાયાં શિક્ષાત્મક પગલા
અતુલકુમાર પટેલ પેન્શનમાંથી 11 હજાર દર મહિને કાપવા, પરેશભાઇ શાહ પેન્શનમાંથી 6300 દર મહિને કાપવા, પરેશભાઇ.એ.પટેલ પેન્શનમાંથી 6500 દર મહિને કાપવા, હિતેષભાઇ 15 લાખ રૂપિયા પેનલ્ટી તરીકે વસુલવી, પરેશભાઇ.ડી.પટેલ પેન્શનમાંથી દર મહિને 8100 કાપવા, મનોજકુમાર સોલંકી તત્કાલીન અને આશિષભાઇ પટેલને નોકરીમાંથી બરતરફ કેમ ન કરવા અંગે સવાલો કર્યા છે તેમજ કડક પગલાં પણ લીધાં છે.
