શ્રીલંકા સામે આગામી સમયમાં રમાનારી 2 ટેસ્ટ મેચોની મહત્વપૂર્ણ સિરીઝ માટે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) દ્વારા ભારતીય સ્ક્વોડ (Indian team )ની જાહેરાત કરી દેવામાં આવી છે. ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થાય તે પહેલાં ભારતીય ટીમ 7 ઓગસ્ટથી કોલંબો ખાતે 4 દિવસીય વોર્મ-અપ પ્રેક્ટિસ મેચ રમશે. આ મહત્વની ટેસ્ટ શ્રેણી માટે વિસ્ફોટક ઓપનર શુભમન ગિલને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે અનુભવી બેટ્સમેન કે.એલ. રાહુલ વાઈસ-કેપ્ટનની જવાબદારી સંભાળશે.
યુવા અને અનુભવી ખેલાડીઓનું સંતુલિત સ્ક્વોડ
જાહેર કરાયેલી આ ટેસ્ટ ટીમમાં યશસ્વી જયસ્વાલ, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા અનુભવી ખેલાડીઓ સ્થાન પામ્યા છે. આ સિવાય ટીમમાં માનવ સુથાર, ગુરનૂર બરાર, દેવદત્ત પડિકલ અને સારાંશ જૈન જેવા યુવા સરપ્રાઈઝ નામોને પણ તક આપવામાં આવી છે. જોકે, ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને બેટ્સમેન સાઈ સુદર્શનની પસંદગી BCCI COE (સેન્ટર ઓફ એક્સેલન્સ) તરફથી મળનારા અંતિમ ફિટનેસ સર્ટીફિકેટ પર નિર્ભર રહેશે.
ભારતીય ટીમે વધુ એક મોટી સિદ્ધિ હાસિલ કરી
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમે વધુ એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે. હરારે ખાતે રમાયેલી T20 સિરીઝની બીજી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 90 રનોના વિશાળ માર્જિનથી ધૂળ ચાટતી કરીને શ્રેણીમાં 2-0 ની સરસાઈ મેળવી લીધી છે. આ શાનદાર દેખાવના કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની તાજી રેન્કિંગમાં ભારત ફરી એકવાર વિશ્વની નંબર-1 T20I ટીમ બની ગયું છે. ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પરાજય બાદ ભારતે ટોચનું સ્થાન ગુમાવ્યું હતું, પરંતુ આ પુનરાગમનથી ભારતીય ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહનો માહોલ છે.
આ પણ વાંચો :કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો શાનદાર દેખાવ, ભારતના ખાતામાં 12 મેડલ
આ પણ વાંચો :ટીમ ઈન્ડિયામાં સરાંશ જૈનની એન્ટ્રી, કોણ છે સરાંશ જૈન?
આ પણ વાંચો :CWG 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યો વધુ એક સિલ્વર, વેઇટલિફ્ટિંગમાં કુલ 199 કિગ્રા વજન ઉપાડ્યું
