Chhota Udepur News/ છોટાઉદેપુર જિલ્લામા એક એવુ મંદિર જ્યાં શ્રમદાન અને શ્લોકના પાઠનુ લેશન કર્યું હોય તેને જ મળે છે દર્શન માટેનો પ્રવેશ

નસવાડી (Naswadi) ના પાલા ગામના રણછોડરાય ભગવાન મંદિરમાં ગુરુપૂર્ણિમાએ શ્રમદાન અને મંત્ર-શ્લોકના લેશન પૂર્ણ કરનાર ભક્તોને જ દર્શન આપવાની અનોખી પરંપરા જળવાઈ રહી છે.

Gujarat Trending
Naswadi

 Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી (Naswadi) તાલુકાના પાલા ગામે આવેલ શ્રી રણછોડરાય ભગવાનના મંદિરમાં વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા આજે પણ યથાવત્ જળવાઈ રહી છે. અહીં ગુરુપૂર્ણિમા સહિતના ધાર્મિક પ્રસંગોએ માત્ર દર્શન માટે આવવું પૂરતું નથી, પરંતુ મંદિર દ્વારા નક્કી કરાયેલા નિયમોનું પાલન કરનાર ભક્તોને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે.

મંદિરના સંત મૌનમુનિ મહારાજ દ્વારા ધાર્મિક જીવન સાથે શિક્ષણ, શિસ્ત અને સેવા ભાવનાને પ્રોત્સાહન મળે તે માટે વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે. મંદિરમાં આવનાર ભક્તોએ સૌપ્રથમ મંદિર પરિસરમાં શ્રમદાન કરવું જરૂરી છે. સામાન્ય ભક્ત હોય કે કોઈ જનપ્રતિનિધિ, મંત્રી કે ધારાસભ્ય – દરેક માટે નિયમ એકસરખો છે. મંદિરની અંદર સેવા અને શ્રમદાન કર્યા પછી જ દર્શનનો લાભ મળે છે.

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મહિલાઓ માટે પણ એક વિશેષ પરંપરા જોવા મળી. જેમ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક દ્વારા અપાયેલ પાઠનું લેશન કરીને આવે છે, તેવી જ રીતે બહેનોએ મંદિરના મહારાજ દ્વારા આપવામાં આવેલા શ્લોકો અને મંત્રોનું લેશન તૈયાર કરીને રજૂ કર્યું. બહેનોએ “ૐ નમઃ શિવાય”, ગાયત્રી મંત્ર સહિત વિવિધ વૈદિક મંત્રો સુંદર હસ્તાક્ષરમાં લખીને અને યાદ કરીને રજૂ કર્યા. યોગ્ય રીતે લેશન પૂર્ણ કરનાર બહેનોને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો.

આ અનોખી પરંપરાના કારણે આદિવાસી વિસ્તારમાં ધાર્મિક આસ્થા સાથે શિક્ષણ, સંસ્કાર, શિસ્ત અને સેવા ભાવનાનો સુંદર સમન્વય જોવા મળે છે. બાળકોની જેમ મોટા લોકો પણ પાઠ શીખે, મંત્રો યાદ કરે અને ધાર્મિક જ્ઞાન મેળવે તેવો ઉત્તમ સંદેશ આ મંદિર આપી રહ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ પાલા ગામનું રણછોડરાય ભગવાનનું મંદિર માત્ર પૂજા-અર્ચનાનું કેન્દ્ર જ નહીં, પરંતુ સંસ્કાર, શિક્ષણ અને સમાજજાગૃતિનું પણ પ્રેરણાદાયી કેન્દ્ર બની ગયું છે. દર વર્ષે ગુરુપૂર્ણિમાના પર્વે મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડે છે અને મંદિરની આ અનોખી પરંપરાનું પાલન કરીને દર્શનનો લાભ મેળવે છે

આધુનિક યુગમાં જ્યાં ધાર્મિક પરંપરાઓમાં પરિવર્તન જોવા મળે છે, ત્યા નસવાડીના પાલા ગામના રણછોડરાય ભગવાનના મંદિરે સેવા, શિસ્ત અને શિક્ષણને આધ્યાત્મિકતા સાથે જોડીને સમાજ સમક્ષ એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.


આ પણ વાંચો: છોટાઉદેપુર-દાહોદ સરહદે વાઘની હાજરીની પુષ્ટિ, ઇન્ટરનેશનલ ટાઈગર ડે પર વન વિભાગે જાહેર કરી મહત્વની માહિતી

આ પણ વાંચો: છોટાઉદેપુર-દાહોદના જંગલમાં વાઘની હાજરીની પુષ્ટિ, 17 મહિનાથી વન વિભાગની નજર

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં જંગલી જાનવરનાં હુમલામાં વૃધ્ધાનું મોત