Sports News : ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 (Commonwealth Games 2026)માં ભારતીય ખેલાડીઓ સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પાંચમા દિવસે ભારતના ખાતામાં વધુ બે સિલ્વર મેડલ ઉમેરાતા કુલ મેડલની સંખ્યા 12 (India Wins 12 Medals)પર પહોંચી ગઈ છે. લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંહે (Gulveer Singh)પુરુષોની 10,000 મીટર દોડમાં ઐતિહાસિક સિલ્વર જીત્યો, જ્યારે વેઈટલિફ્ટર હરજિંદર કૌરે મહિલાઓની 69 કિલોગ્રામ કેટેગરીમાં પર્સનલ બેસ્ટ સાથે સિલ્વર પોતાના નામે કર્યો.
ભારત હવે બે ગોલ્ડ સહિત કુલ 12 મેડલ સાથે મેડલ ટેલીમાં નવમા સ્થાન પર છે.
ગુલવીર સિંહે રચ્યો ઈતિહાસ

ઉત્તર પ્રદેશના અલીગઢના રહેવાસી અને ભારતીય સેનાના નાયબ સુબેદાર ગુલવીર સિંહે ભારે વરસાદ વચ્ચે યોજાયેલી 10,000 મીટરની સ્પર્ધા 27:49.78 સેકન્ડમાં પૂર્ણ કરી સિલ્વર મેડલ જીત્યો. આ ઇવેન્ટમાં મેડલ જીતનાર તેઓ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે.
ગુલવીરે કારકિર્દીમાં અગાઉ એશિયન ગેમ્સ અને એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ અનેક મેડલ જીત્યા છે. તેમના નામે 5,000 મીટર, 10,000 મીટર, એક માઈલ અને હાફ મેરેથોનના ભારતીય રાષ્ટ્રીય રેકોર્ડ પણ નોંધાયેલા છે.
હરજિંદર કૌરનો પર્સનલ બેસ્ટ
મહિલાઓની 69 કિલોગ્રામ વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં હરજિંદર કૌરે (Harjinder Kaur)કુલ 227 કિલોગ્રામ વજન ઉઠાવી સિલ્વર મેડલ જીત્યો. તેમણે સ્નેચમાં 101 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 126 કિલોગ્રામ વજન ઉઠાવી પોતાની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
2022ની કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યા બાદ હવે હરજિંદરે સિલ્વર મેળવી આગામી ગોલ્ડ માટેનો દાવો મજબૂત કર્યો છે.
બોક્સિંગમાં ત્રણ મેડલ નિશ્ચિત

ભારત માટે બોક્સિંગ (India Boxing)માંથી પણ સારા સમાચાર આવ્યા છે. મહિલા બોક્સર પ્રીતિ પવાર અને પ્રિયા ઘાંઘસ તેમજ પુરુષ બોક્સર જાદુમણિ પોતાની ક્વાર્ટર ફાઇનલ મેચ જીતી સેમિફાઇનલમાં પહોંચ્યા છે.
કોમનવેલ્થ ગેમ્સ ના નિયમ મુજબ બોક્સિંગમાં સેમિફાઇનલમાં પહોંચતા જ ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ નિશ્ચિત થઈ જાય છે. હવે ત્રણેય ખેલાડીઓ ગોલ્ડ માટે પડકાર રજૂ કરશે.
વેઈટલિફ્ટિંગમાં ભારતનો દબદબો

હરજિંદરના સિલ્વર સાથે વેઈટલિફ્ટિંગમાં ભારતના કુલ સાત મેડલ થઈ ગયા છે. અગાઉ મીરાબાઈ ચાનુએ ગોલ્ડ જીત્યો હતો, જ્યારે ઋષિકાંત સિંહ, જ્ઞાનેશ્વરી યાદવ, રાજા મુથુપાંડી અને અજય બાબુએ સિલ્વર જીત્યા હતા. બિંદિયારાની દેવીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સ 2026 (Commonwealth Games 2026)માં અન્ય ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન
એથ્લેટિક્સમાં વિશાલ ટીકે પુરુષોની 400 મીટર દોડની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સ્વિમિંગમાં શ્રીહરિ નટરાજે 100 મીટર બેકસ્ટ્રોકની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. પેરા સ્વિમિંગમાં કાર્તિક બુડીગિના અને અલી ઇમામે પણ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે.
જોકે, વેઈટલિફ્ટર નિરુપમા દેવી ક્લીન એન્ડ જર્કમાં ત્રણેય પ્રયાસ નિષ્ફળ જતા મેડલથી વંચિત રહી હતી.
ભારતીય ખેલાડીઓનું સતત સારું પ્રદર્શન જોતાં આગામી દિવસોમાં ભારતના મેડલની સંખ્યા વધુ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: CWG 2026: મીરાબાઈ ચાનુએ ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ, 190 કિલો વજન ઉઠાવી રચ્યો ઇતિહાસ; ઋષિકાંતે જીત્યો સિલ્વર
આ પણ વાંચો: એશિયન ગેમ્સ 2026માં ગુજરાતનો ઐતિહાસિક દબદબો, 9 ખેલાડીઓ કરશે ભારતનું પ્રતિનિધિત્વ
આ પણ વાંચો: 18 વર્ષની અનાહત સિંહે રચ્યો ઈતિહાસ, ભારત માટે ગોલ્ડ જીતનારી પ્રથમ ખેલાડી બની
