Sport news/ 18 વર્ષની અનાહત સિંહે રચ્યો ઈતિહાસ, ભારત માટે ગોલ્ડ જીતનારી પ્રથમ ખેલાડી બની

ભારતની 18 વર્ષીય સ્કવોશ સ્ટાર અનાહત સિંહે (Anahat Singh)વર્લ્ડ જુનિયર સ્કવોશ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઈજિપ્તની રુકય્યા સાલેમને સીધા સેટમાં હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ સાથે તે આ ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય બની છે.

Sports
Anahat Singh made history in Canada.

એકતરફ આખો દેશ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સના પ્રદર્શન પર નજર રાખીને બેઠો છે, ત્યારે બીજી તરફ જુનિયર સ્કવોશ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતની 18 વર્ષીય સ્ટાર ખેલાડી અનાહત સિંહે (Anahat Singh) શાનદાર જીત નોંધાવીને નવો ઈતિહાસ રચી દીધો છે. કેનેડામાં રમાયેલી આ ટૂર્નામેન્ટની આખરી મેચમાં અનાહતે ઈજિપ્ત (મિસ્ર)ની રુકય્યા સાલેમને સીધા સેટોમાં ધૂળ ચાટતી કરીને ટાઈટલ પોતાના નામે કર્યું છે.

ફાઇનલમાં એકચક્રી શાસન:

કેનેડાના કોર્ટ પર અનાહત સિંહની રમત આગળ ઈજિપ્તની રુકય્યા સાલેમ લાચાર નજરે પડી હતી. અનાહતે શરૂઆતથી જ આક્રમક રમત દાખવીને પ્રથમ સેટ 11-3થી આસાનીથી કબ્જે કર્યો હતો. બીજા સેટમાં પણ પોતાનો દબદબો જાળવી રાખીને તેણે 11-7થી વિજય મેળવ્યો હતો.

તમામ ચાહકોની નજર ત્રીજા અને નિર્ણાયક સેટ પર હતી, જ્યાં રુકય્યાએ થોડો પ્રતિકાર બતાવ્યો હતો પરંતુ અનાહતે તેની પરિપક્વતા બતાવીને ત્રીજો સેટ 11-9થી જીતી લીધો હતો. આ સાથે જ તેણે સતત ત્રણેય સેટ પોતાના નામે કરીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો.

21 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો:

વર્ષ 2005માં ભારતીય સ્કવોશ દિગ્ગજ જોશના ચિનપ્પા આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ તે ખિતાબ જીતવામાં અસમર્થ રહી હતી. 21 વર્ષ બાદ અનાહતે ન માત્ર ફાઇનલમાં જગ્યા બનાવી, પરંતુ વિજેતા બનીને ઇતિહાસના પાનામાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું.

અનાહતની આ અદ્ભુત સિદ્ધિ પર કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને તેને અભિનંદન પાઠવ્યા હતા અને ઉમેર્યું હતું કે આ અભૂતપૂર્વ સફળતા સમગ્ર દેશ માટે અત્યંત ગર્વની ક્ષણ છે.

LA 2028 ઓલિમ્પિક્સ પર નજર

લોસ એન્જિલસમાં યોજાનાર 2028 ઓલિમ્પિક ગેમ્સમાં સ્કવોશ રમતને સત્તાવાર રીતે સામેલ કરવામાં આવી છે. જુનિયર સ્તરે વિશ્વમાં ડંકો વગાડ્યા બાદ હવે અનાહતનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે.

હાલમાં જ અનાહત PSA ટૂરની સીનિયર વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-20 ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવી ચૂકી છે. રમત પ્રેમીઓને આશા છે કે સીનિયર લેવલ પર પણ તે પોતાનું આ ફોર્મ જાળવી રાખશે અને ઓલિમ્પિક્સમાં ભારત માટે મેડલ દાવેદાર બનશે.


આ પણ વાંચો :ભારતની ધમાકેદાર જીત: ઝિમ્બાબ્વેને બીજી T20 માં 90 રને ધૂળ ચાટતી કરી, ઈશાન અને તિલકની તોફાની ફિફ્ટી

આ પણ વાંચો :ગ્લાસગોમાં ભારતના મેડલનું ખાતું ખુલ્યું; પાવરલિફ્ટર ઝંડુ કુમારે બ્રોન્ઝ જીતીને રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો :પાકિસ્તાનને 7-3થી ધૂળ ચાટતી ભારતીય ટીમ; હવે ફાઇનલમાં ફરી ટાઇટલ માટે મહાજંગ!