Japan Earthquake: દક્ષિણપશ્ચિમ જાપાનમાં મંગળવાર, 28 જુલાઈના રોજ આવેલા શક્તિશાળી ભૂકંપથી ભારે નુકસાન થયું છે. કુમામોટો વિસ્તારમાં આવેલા 7.1ની તીવ્રતાના ભૂકંપ બાદ અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં લોકો કાટમાળ નીચે ફસાયા હતા.
અહેવાલો મુજબ, ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી, જોકે સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ આ ચેતવણીને બાદમાં પાછી ખેંચી લેવામાં આવી હતી.
જાપાનના વડાપ્રધાન સના તાકાઈચીએ બુધવારે જણાવ્યું હતું કે ભૂકંપમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. ગુમ થયેલા લોકોની શોધખોળ અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. તેમણે જણાવ્યું કે બચાવ ટીમોએ આખી રાત કામગીરી હાથ ધરી હતી અને અનેક ઘાયલોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
ભૂકંપનું કેન્દ્ર ક્યુશુ ટાપુના કુમામોટો વિસ્તારમાં હતું. ભૂકંપના આંચકાથી અનેક મકાનોને નુકસાન થયું હતું. NHKના અહેવાલ મુજબ, યત્સુશિરો શહેરમાં એક પુલનો રાહદારી ભાગ ધરાશાયી થયો હતો, જ્યારે ક્યુશુ એક્સપ્રેસવે પરના હાઇવે ઓવરપાસને પણ ગંભીર નુકસાન પહોંચ્યું હતું.
વડા પ્રધાન તાકાઈચીએ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે નજીકના સમયમાં સમાન તીવ્રતાનો વધુ એક ભૂકંપ આવી શકે છે, જેથી લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
