Japan News,: જાપાન (Japan)ના કુમામોટો પ્રિફેક્ચરમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો છે. આજે 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા જ હવામાન વિભાગે સુનામીની ચેતવણી જાહેર કરી છે. ભૂકંપ બાદ પ્રથમ સુનામીની લહેર પહોંચ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે હજારો ઘરોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે.
Japanમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, સુનામી એલર્ટ જાહેર
જાપાનના ક્યુશુ (Kyushu Earthquake) વિસ્તારમાં આવેલા કુમામોટો (Kumamoto)પ્રિફેક્ચરમાં મંગળવારે સ્થાનિક સમય અનુસાર 7.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જાપાનની સિસ્મિક ઇન્ટેન્સિટી સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા શિંદો-7 નોંધાઈ, જે સૌથી ઊંચું સ્તર માનવામાં આવે છે.
ભૂકંપ બાદ જાપાનની હવામાન એજન્સીએ અરિયાકે અને યાત્સુશિરો સમુદ્ર કિનારાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરી અને લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવાની અપીલ કરી.
પ્રથમ સુનામી લહેર પહોંચી, વધુ લહેરોની આશંકા
હવામાન એજન્સીના જણાવ્યા મુજબ ભૂકંપ બાદ પ્રથમ સુનામીની લહેર દરિયાકાંઠે પહોંચી હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે આગામી સમયમાં વધુ સુનામી લહેરો આવી શકે છે. કુમામોટોના અનેક શહેરો ઉપરાંત નાગાસાકી (Nagasaki), કાગોશિમા, ફુકુઓકા, સાગા અને મિયાઝાકી પ્રિફેક્ચરમાં પણ જોરદાર આંચકા અનુભવાયા હતા.
હજારો ઘરોમાં વીજળી ગુલ, 2016ના વિનાશક ભૂકંપની યાદ તાજી
ભૂકંપનું કેન્દ્રબિંદુ કુમામોટો શહેરની દક્ષિણમાં આવેલા ઉકી શહેર નજીક માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપના કારણે આશરે 45,600 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાનું ક્યુશુ ઇલેક્ટ્રિક કંપનીએ જણાવ્યું છે. આ ઘટના એપ્રિલ 2016માં આવેલા વિનાશક કુમામોટો ભૂકંપની યાદ તાજી કરે છે. તે સમયે બે શક્તિશાળી ભૂકંપમાં 278 લોકોના મોત થયા હતા અને 2,800થી વધુ લોકો ઘાયલ થયા હતા.
કુમામોટો કિલ્લાનું પુનઃનિર્માણ હજુ ચાલુ
2016ના ભૂકંપમાં ઐતિહાસિક કુમામોટો કિલ્લાને ભારે નુકસાન થયું હતું. હાલમાં તેનું પુનઃનિર્માણ ચાલી રહ્યું છે અને સમગ્ર કામગીરી વર્ષ 2052 સુધી પૂર્ણ થવાની સંભાવના છે. અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને લોકોને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
આ પણ વાંચો:Iran Earthquake: ઈરાનના ખુઝેસ્તાનમાં 5 ની તીવ્રતાનો ભૂકંપ, ઈમરજન્સી એલર્ટ જાહેર
આ પણ વાંચો:મેક્સિકોમાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ચિયાપાસમાં સુનામી એલર્ટ
આ પણ વાંચો:અષાઢી બીજે કચ્છમાં ભૂકંપના બે આંચકા, નવા વર્ષની ઉજવણી વચ્ચે લોકોમાં ભય
