india news/ જાપાન પછી હવે ભારત પણ ભૂકંપ અર્લી વોર્નિંગમાં આગળ, ઉત્તરાખંડ અને હિમાલયી રાજ્યોમાં ભૂકંપના ઝટકા પહેલાં મળશે એલર્ટ

ભૂકંપ (Earthquake) ની ચોક્કસ આગાહી નહીં, પરંતુ ખતરનાક આંચકા પહેલાં ચેતવણી આપતી EEW સિસ્ટમ વિકસાવવામાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે.

Top Stories India
earthquake

Earthquake Early Warning System: દુનિયાના અન્ય દેશોની જેમ ભારતમાં પણ ભૂકંપ આવવાની ચોક્કસ આગાહી કરી શકે તેવી કોઈ વૈજ્ઞાનિક ટેક્નોલોજી ઉપલબ્ધ નથી. જોકે, ભૂકંપ શરૂ થયા બાદ ખતરનાક આંચકા પહોંચે તે પહેલાં લોકો સુધી ચેતવણી પહોંચાડી શકે તેવી અર્થક્વેક અર્લી વોર્નિંગ (EEW) સિસ્ટમના વિકાસમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે.

ખાસ કરીને ઉત્તરાખંડમાં આ દિશામાં મહત્વપૂર્ણ કામ કરવામાં આવ્યું છે. આઈઆઈટી રૂડકી અને ઉત્તરાખંડ સરકારે મળીને ‘ભૂદેવ’ (BhuDev) નામની અદ્યતન ભૂકંપ પૂર્વ ચેતવણી એપ વિકસાવી છે. આ એપ આધુનિક ટેક્નોલોજીની મદદથી ભૂકંપના જોખમ સામે લોકોને સમયસર એલર્ટ આપીને જાનમાલનું નુકસાન ઘટાડવાનો પ્રયાસ કરે છે.

કેન્દ્ર સરકારે પણ સંસદમાં માહિતી આપી હતી કે સમગ્ર હિમાલયી વિસ્તારમાં રિયલ-ટાઇમ સિસ્મિક મોનિટરિંગ નેટવર્ક કાર્યરત કરવામાં આવ્યું છે. ઉપરાંત, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા પ્રાદેશિક ડેટાના આધારે અર્થક્વેક અર્લી વોર્નિંગ માટેના એલ્ગોરિધમનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ?

જ્યારે ભૂકંપ આવે છે ત્યારે સૌથી પહેલાં પી-વેવ્સ (P-Waves) ઉત્પન્ન થાય છે. આ તરંગો સૌથી ઝડપથી ફેલાય છે અને સામાન્ય રીતે ઓછું નુકસાન પહોંચાડે છે. અર્લી વોર્નિંગ સિસ્ટમ ભૂકંપના કેન્દ્ર નજીક લગાવવામાં આવેલા સેન્સરની મદદથી આ પી-વેવ્સને તરત ઓળખી લે છે.

ત્યારબાદ, વધુ વિનાશક આંચકા પહોંચે તે પહેલાં જ દૂર આવેલા શહેરો અને વિસ્તારોમાં એલર્ટ મોકલી દેવામાં આવે છે. આથી લોકોને સુરક્ષિત સ્થળે પહોંચવા, ટ્રેન અથવા અન્ય સેવાઓ રોકવા અને આપત્તિ વ્યવસ્થાપન તંત્રને તાત્કાલિક કાર્યવાહી માટે અમૂલ્ય સેકન્ડ્સ મળી શકે છે.

કેટલો સમય મળે છે ચેતવણીનો?

અર્લી વોર્નિંગનો સમય ભૂકંપના કેન્દ્રથી તમારા વિસ્તારનું અંતર કેટલું છે તેના પર આધાર રાખે છે. જો તમે એપિસેન્ટર નજીક હો તો ચેતવણીનો સમય લગભગ નહીંવત મળે છે. જ્યારે ભૂકંપનું કેન્દ્ર દૂર હોય ત્યારે લોકોને બચાવ માટે થોડા મહત્વપૂર્ણ સેકન્ડ્સ મળી શકે છે.

ઉત્તરાખંડમાં મજબૂત સેન્સર નેટવર્ક

ભારતમાં હાલ આ સેન્સર નેટવર્ક મુખ્યત્વે ઉત્તરાખંડના ગઢવાલ અને કુમાઉં વિસ્તારોમાં સક્રિય ફોલ્ટ લાઇનની નજીક સ્થાપિત કરવામાં આવ્યું છે. સેન્સર પી-વેવ્સ શોધતા જ આસપાસના શહેરોમાં એલર્ટ મોકલી દે છે, જેથી જાનહાનિ ઘટાડવામાં મદદ મળી શકે.

આ દેશો પાસે છે અદ્યતન સિસ્ટમ

વિશ્વમાં હાલમાં જાપાન, તાઈવાન અને અમેરિકા પાસે સૌથી આધુનિક અને અસરકારક ભૂકંપ અર્લી વોર્નિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે, જ્યારે ભારત પણ આ ક્ષેત્રમાં ઝડપથી પોતાની ક્ષમતા વધારી રહ્યું છે.


આ પણ વાંચો : કચ્છના ભચાઉમાં બપોરે 3.2 ની તીવ્રતાનો ભૂકંપ, ધરા ધ્રુજી ઉઠતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ

આ પણ વાંચો : રાજકોટમાં મધરાતે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતા નોંધાઈ

આ પણ વાંચો : હિમાચલમાં 5.0 તીવ્રતાનો ભૂકંપ,ચંબા કેન્દ્રબિંદુ