Rahul Gandhi Lok Sabha Speech: લોકસભામાં આજે (બુધવારે) ‘પબ્લિક એક્ઝામિનેશન (અયોગ્ય સાધનોની રોકથામ) સંશોધન બિલ, 2026’ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં વિદ્યાર્થીઓના આંદોલનને દેશના ભવિષ્યનો અવાજ ગણાવ્યો. તેમણે કહ્યું કે દેશના યુવાનો રસ્તા પર ઉતર્યા તે માત્ર નારાજગી કે ગુસ્સો નહોતો, પરંતુ દેશની પરીક્ષા પ્રણાલી સામેનો ગંભીર પ્રશ્ન હતો અને તમામ રાજકીય પક્ષોએ તેનું સન્માન કરવું જોઈએ.
“વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય, રસ્તા પર ઉતરવું ચિંતાજનક” : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે અને તેમને રસ્તા પર ઉતરવાની ફરજ પડી તે ચિંતાજનક બાબત છે. તેમણે ભાજપના નેતાઓને પોતાના બાળકોને પૂછવાની સલાહ આપતાં કહ્યું કે પરીક્ષા વ્યવસ્થામાં શું ખોટું થયું છે તે યુવાનો સારી રીતે સમજી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે વિદ્યાર્થીઓ ખુલ્લા વિચારો ધરાવે છે, સત્યને સ્વીકારવાની ક્ષમતા ધરાવે છે અને બદલાતી દુનિયાને સમજવા માટે સતત પ્રયત્નશીલ છે.
‘અંધભક્ત’ અને ‘ઇડિયટ’ શબ્દોને લઈને લોકસભામાં હોબાળો
સંભોધન દરમિયાન રાહુલ ગાંધી દ્વારા ‘અંધભક્ત’ અને ‘ઇડિયટ’ જેવા શબ્દોના ઉપયોગને લઈને સત્તાપક્ષના સભ્યોએ વાંધો ઉઠાવ્યો. સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે જો કોઈ શબ્દ અસંસદીય હશે તો તેને કાર્યવાહીના રેકોર્ડમાંથી દૂર કરવામાં આવશે. ત્યારબાદ રાહુલ ગાંધીએ કહ્યું કે જરૂરી હોય તો તે ‘ઇડિયટ’ શબ્દના સ્થાને અન્ય શબ્દનો ઉપયોગ કરશે, જોકે સ્પીકરે સ્પષ્ટ કર્યું કે આ અંગે નિર્ણય અધ્યક્ષપદ કરશે.
યુવાનોનો ગુસ્સો વાજબી, તેમની લાગણીઓને સમજવાની જરૂર
રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં દાવો કર્યો કે વિદ્યાર્થીઓની લાગણીઓને દેશે સમજવી જોઈએ અને યુવાનોનો ગુસ્સો યોગ્ય છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે એક પરીક્ષા પાછળ થતો ખર્ચ દેશના શિક્ષણ બજેટ કરતાં પણ વધુ હોવાનું કહેવાય છે.
આ પહેલાં સવારે 11 વાગ્યે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ હતી. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા. જોકે વિપક્ષના હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. ત્યારબાદ ફરી બેઠક શરૂ થતાં પેપર લીક સંબંધિત બિલ પર બીજા દિવસે પણ ચર્ચા આગળ વધારવામાં આવી.
બીજી તરફ સંસદ ભવનની બહાર સમાજવાદી પાર્ટીના સાંસદોએ દાનપેટી સાથે પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કર્યું. સપા પ્રમુખ અખિલેશ યાદવે રામ મંદિરની દાનપેટીમાંથી થયેલી કથિત ચોરીના મુદ્દે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે જે સરકાર દાનપેટીનું રક્ષણ કરી શકતી નથી, તે યુવાનોના ભવિષ્યને પણ સુરક્ષિત રાખી શકતી નથી.
આજના સંસદીય કાર્યક્રમમાં પેપર લીક સંબંધિત સંશોધન બિલ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જન્મ અને મૃત્યુ નોંધણી (સંશોધન) બિલ, 2026 રજૂ કરવાની સૂચિ છે. તેમજ કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવા સંબંધિત સુધારા બિલ પણ લોકસભામાં રજૂ કરશે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીનો અમિત શાહને પુછ્યા સવાલ, વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કેમ થયો?
