Surat News/ સુરતમાં ફરી રખડતાં કૂતરાનો આતંક, ઉન વિસ્તારમાં 2 વર્ષની બાળકી પર હુમલો

સુરતના (Surat ) ઉન વિસ્તારમાં ફરી એકવાર રખડતાં કૂતરાઓનો આતંક સામે આવ્યો છે, જ્યાં 2 વર્ષીય બાળકી પર શ્વાનો હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ છે અને બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અપાઈ હતી.

Surat Top Stories
Surat

સુરત શહેરમાં રખડતાં શ્વાનોનો આતંક ઘટવાનું નામ નથી લેતો. ઉન વિસ્તારમાં ફરી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 2 વર્ષીય માસૂમ બાળકી પર કૂતરાઓએ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ છે, જે જોઈને લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

શું છે સમગ્ર ઘટના?

ઉન વિસ્તારમાં આવેલી નૂર રેસિડેન્સીમાં અયાત નામની 2 વર્ષીય બાળકી પરિવાર સાથે રહે છે. બાળકીના પિતા ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે સવારે બાળકી સોસાયટીના ગેટ પાસે રમતી હતી ત્યારે અચાનક તે થોડી બહાર નીકળી ગઈ. એટલામાં ત્રણ રખડતાં શ્વાનો તેની તરફ ધસી આવ્યાં અને એક શ્વાને તેના સાથળના ભાગે ગંભીર રીતે બચકું ભરી દીધું.

બાળકીના રડવાનો અવાજ સાંભળતા આસપાસના લોકો દોડી આવ્યા અને શ્વાનોને ભગાવ્યા. તરત જ બાળકીને પરિવાર પાસે લઈ જઈ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં તબીબોએ હડકવાવિરોધી રસી આપી સારવાર શરૂ કરી હતી. હાલ બાળકીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

Surat stray dog attack
Surat stray dog attack

અગાઉ પણ બની હતી સમાન ઘટના

આ પહેલા માત્ર છ દિવસ અગાઉ વાલક પાટિયા વિસ્તારમાં સાડાત્રણ વર્ષના બાળક પર ચારથી પાંચ શ્વાનોએ હુમલો કર્યો હતો. ઘર પાસે રમતાં બાળક પર શ્વાનો તૂટી પડ્યાં અને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર બચકાં ભર્યા હતા, જેને લઈ વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી.

ખર્ચ છતાં સમસ્યા યથાવત

શહેરમાં શ્વાનોની સંખ્યા નિયંત્રિત કરવા માટે પાલિકાએ રસીકરણ અને ખસીકરણની કામગીરી માટે એજન્સીઓને જવાબદારી સોંપી છે. છેલ્લા ત્રણ વર્ષમાં પાલિકાએ આ કામગીરી માટે 5.58 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો છે. બે એજન્સીઓ દ્વારા 44 હજારથી વધુ કૂતરાંનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું છે, જેમાં એક કૂતરા પાછળ સરેરાશ 1268 રૂપિયાનો ખર્ચ થયો છે. તેમ છતાં શહેરમાં રખડતાં શ્વાનોની સમસ્યા યથાવત રહેતાં લોકોમાં ચિંતા વધી રહી છે


આ પણ વાંચો:રખડતાં શ્વાનનો આતંક: સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘સહાનુભૂતિ સારી વાત છે, પણ જનતાની સુરક્ષા સર્વોપરી’

આ પણ વાંચો:જૂનાગઢમાં રખડતા શ્વાનોનો આતંક,  7 વર્ષના નાના બાળક પર 5 શ્વાનોએ કર્યો હુમલો

આ પણ વાંચો:શ્વાનનો આતંક ક્યારે અટકશે? દાહોદમાં બાલવાડીમાં ઘૂસી શ્વાને માસૂમ પર કર્યો હુમલો