Gujarat News/ એકસાથે ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવશે મોટો પલટો! ફેબ્રુઆરીના અંતમાં હવામાન બદલાવની શક્યતા

ગુજરાતના કેટલાક ભાગોમાં Weather માં મોટો પલટો આવી શકે છે

Gujarat
Weather

Gujarat News : દેશ સહિત ગુજરાતના હવામાન (Weather) માં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. એક પછી એક સક્રિય થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં અસ્થિરતા વધી રહી છે. હાલ એવી સ્થિતિ છે કે રાત્રિના સમયે ઠંડીનો અનુભવ થાય છે, જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આ મિશ્ર ઋતુજન્ય પરિસ્થિતિ લોકોના આરોગ્ય માટે પણ ચિંતાજનક બની રહી છે.

હવામાન (Weather)વિભાગની આગાહી શું કહે છે?

ભારતીય હવામાન (Weather) વિભાગ (IMD) મુજબ, ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં ફરી એક વખત ઠંડીમાં વધારો થઈ શકે છે. પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ના કારણે ઉત્તર ભારતમાં ઠંડા પવનો ફૂંકાશે, જેના પરિણામે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. તેની અસર ગુજરાતમાં પણ અંશતઃ જોવા મળી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે:

  • પ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ સક્રિય છે.

  • બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 13 ફેબ્રુઆરી આસપાસ સક્રિય થઈ શકે છે.

  • ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16થી 17 ફેબ્રુઆરી દરમિયાન આવવાની શક્યતા છે.

આ ત્રણેય સિસ્ટમોના કારણે હિમાલય વિસ્તારમાં હિમવર્ષા અને વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં શું રહેશે અસર?

હાલ રાજ્યમાં ઉત્તરપૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. 14 ફેબ્રુઆરી સુધી તાપમાનમાં કોઈ ખાસ બદલાવ થવાની શક્યતા નથી. ગુજરાતનું હવામાન (Weather) મુખ્યત્વે શુષ્ક રહેશે અને વરસાદની શક્યતા નબળી છે.

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ક્યારેક કડકડતી ઠંડી અને ક્યારેક બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ પ્રકારનું મિશ્ર હવામાન (Weather)સામાન્ય જનજીવન તેમજ સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર:

  • 12 ફેબ્રુઆરી સુધી ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હળવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે.

  • જેના કારણે પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા અથવા હિમવર્ષાની શક્યતા રહેશે.

  • ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે 12 ફેબ્રુઆરી આસપાસ ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. 14 ફેબ્રુઆરી આસપાસ મધ્યમ કક્ષાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અસર જોવા મળી શકે છે.

ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે. માર્ચની શરૂઆતમાં તેની અસર રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ સિસ્ટમના કારણે રાજસ્થાન તથા ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે.

કુલ મળીને ફેબ્રુઆરીના બાકીના દિવસોમાં હવામાન અસ્થિર રહેવાની શક્યતા છે. લોકો ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને આરોગ્યની કાળજી લેવી જરૂરી છે.