Telegram Controversy: રશિયાની મુખ્ય આંતરિક સુરક્ષા અને ગુપ્તચર એજન્સી ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSS)એ મેસેજિંગ એપ ટેલિગ્રામ (Telegram) ના સ્થાપક પાવેલ દુરોવ વિરુદ્ધ ગંભીર કાર્યવાહી હાથ ધરી છે. FSSએ દુરોવ પર આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે અને તેમને ઇન્ટરનેશનલ વોન્ટેડ લિસ્ટમાં પણ સામેલ કર્યા છે. આ પગલાં બાદ રશિયામાં ટેલિગ્રામના ભવિષ્યને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.
FSSના જણાવ્યા મુજબ, ટેલિગ્રામ પર ચાલતી કેટલીક ચેનલો, ચેટ્સ અને બોટ્સનો ઉપયોગ યુક્રેનિયન ગુપ્તચર એજન્સીઓ તેમજ કટ્ટરપંથી સંગઠનો દ્વારા રશિયામાં તોડફોડ, સાયબર હુમલા, નાણાકીય છેતરપિંડી અને આતંકવાદી ગતિવિધિઓ માટે કરવામાં આવી રહ્યો છે. સુરક્ષા એજન્સીનો દાવો છે કે અનેક વખત ચેતવણી આપવામાં આવી હોવા છતાં ટેલિગ્રામ પ્રશાસને આવા એકાઉન્ટ્સ સામે પૂરતા પગલાં લીધા નથી.
આક્ષેપોના આધારે પાવેલ દુરોવ વિરુદ્ધ નવો કેસ નોંધવામાં આવ્યો છે. જેના કારણે રશિયામાં ટેલિગ્રામ પર વધુ કડક નિયંત્રણ અથવા સંપૂર્ણ પ્રતિબંધ લાગવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોણ છે પાવેલ દુરોવ? જાણો ‘રશિયાના માર્ક ઝકરબર્ગ’ની કહાની
પાવેલ દુરોવનો જન્મ 1984માં રશિયામાં થયો હતો, પરંતુ વર્ષ 2021માં તેમણે ફ્રાન્સની નાગરિકતા સ્વીકારી હતી. હાલમાં તેઓ દુબઈમાં રહીને ટેલિગ્રામના વૈશ્વિક સંચાલનની જવાબદારી સંભાળી રહ્યા છે.
પાવેલ દુરોવને ઘણીવાર ‘રશિયાના માર્ક ઝકરબર્ગ’ તરીકે ઓળખવામાં આવે છે. ટેલિગ્રામ શરૂ કરતા પહેલાં તેમણે રશિયાનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ VK પણ સ્થાપ્યું હતું. વર્ષ 2014માં ડેટા પ્રાઇવસી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મુદ્દે રશિયન સરકાર સાથે મતભેદ સર્જાતા તેમણે રશિયા છોડી દીધું હતું અને ત્યારથી તેઓ વિદેશમાં રહી રહ્યા છે.
રશિયાની FSS એજન્સી શું છે? જાણો તેની મુખ્ય જવાબદારીઓ
ઉલ્લેખનીય છે કે FSS રશિયાની મુખ્ય સુરક્ષા અને ગુપ્તચર એજન્સી છે, જેને ભૂતપૂર્વ સોવિયત સંઘની KGBની ઉત્તરાધિકારી માનવામાં આવે છે. આ એજન્સી દેશની આંતરિક સુરક્ષા, આતંકવાદ વિરોધી કામગીરી, સરહદી સુરક્ષા અને સાયબર સુરક્ષાની જવાબદારી સંભાળે છે.
રશિયામાં ટેલિગ્રામ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ્સમાંની એક છે. અગાઉ પણ સુરક્ષા કારણોસર રશિયન સરકારે તેના પર વિવિધ નિયંત્રણો લાદ્યા હતા. તેમ છતાં સામાન્ય નાગરિકોથી લઈને સરકારી અધિકારીઓ અને સૈન્ય સાથે જોડાયેલા લોકો પણ ટેલિગ્રામનો વ્યાપક ઉપયોગ કરે છે.
આ પણ વાંચો: પેપર લીક તો બહાનું છે…’, ભારતમાં 15 કરોડ યુઝર્સ બ્લોક થતાં જ ગુસ્સે ભરાયા ટેલિગ્રામના માલિક
આ પણ વાંચો: ટેલિગ્રામ મેસેજિંગ એપના CEO પાવેલ ડ્યૂરોવની ફ્રાન્સમાં ધરપકડ, જાણો કેટલી સંપત્તિના માલિક
આ પણ વાંચો: 12 દેશોમાં મારા 100 થી વધુ બાળકો છે,ટેલિગ્રામના સ્થાપકનો ખુલાસો, કહ્યું કેવી રીતે બન્યું શક્ય
