Ahmedabad Rain Alert: અમદાવાદમાં આગામી બે દિવસ અત્યંત ભારે વરસાદની (Ahmedabad Red Alert) આગાહીને પગલે સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હવામાન વિભાગે 31 જુલાઈ માટે રેડ એલર્ટ જાહેર કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ (AMC Leave Cancelled) કરવામાં આવી છે. સાથે જ નાગરિકોને શક્ય હોય ત્યાં સુધી બે દિવસ વર્ક ફ્રોમ હોમ કરવાની અપીલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શહેરની તમામ આંગણવાડીઓ, શાળાઓ અને કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
Ahmedabad Red Alert: AMCના તમામ અધિકારીઓની રજા રદ

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન AMCના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. શહેરમાં કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિ સર્જાય તો તેનો તાત્કાલિક સામનો કરી શકાય તે માટે સમગ્ર તંત્રને 24 કલાક તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.
લોકોને વર્ક ફ્રોમ હોમ અને ઘરમાં રહેવાની અપીલ
AMC દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને શક્ય હોય ત્યાં સુધી બે દિવસ ઘરેથી કામ (Work From Home) કરવાની અપીલ કરવામાં આવી છે. લોકોને હવામાન વિભાગ અને ટ્રાફિક પોલીસના અધિકૃત અપડેટ પર સતત નજર રાખવા પણ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત શહેરમાં જોખમી હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે અને ઝાડ તેમજ મોટા હોર્ડિંગ્સ નીચે ઉભા ન રહેવા ચેતવણી આપવામાં આવી છે.
અમદાવાદની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા
હવામાન વિભાગના રેડ એલર્ટ બાદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ વિભાગે શહેરની તમામ આંગણવાડીઓ, સરકારી, અનુદાનિત અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં 31 જુલાઈએ રજા જાહેર કરી છે. વિદ્યાર્થીઓને શાળાઓમાં (School Holiday) હાજર ન રહેવા સૂચના આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓની સલામતીને અપાઈ પ્રાથમિકતા
જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે હવામાન વિભાગની ગંભીર આગાહીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારે વરસાદની (AMC Rain Alert) સંભાવનાને જોતા શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળી શકાય.
જિલ્લા તંત્ર અને બચાવ દળો હાઈ એલર્ટ પર
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રે ધોળકા, બાવળા અને સાણંદ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ ટીમો તહેનાત કરી છે. એક NDRF અને બે SDRF ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કોઈપણ પૂર, પાણી ભરાવા અથવા અન્ય કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
નાગરિકોને સાવચેત રહેવાની અપીલ
વહીવટી તંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા, વીજળીના થાંભલા અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા તેમજ માત્ર સરકારી અને અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. આગામી બે દિવસ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને સમગ્ર અમદાવાદમાં ઈમરજન્સી મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં રેડ એલર્ટનો પ્રભાવ: 31 જુલાઈએ અનેક જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ, જાણો સંપૂર્ણ યાદી
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવની ચેતવણી! 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી હાઈ એલર્ટ, સરકાર એલર્ટ મોડમાં
આ પણ વાંચો: ભારે વરસાદ વચ્ચે ગુજરાતનો મોટો કમબેક! 94% રસ્તાઓ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લા
