Gujarat Rain News: ગુજરાતમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને (Gujarat Heavy Rain Alert) પગલે રાજ્ય સરકાર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં અસરગ્રસ્ત બની શકે તેવા જિલ્લાઓના કલેક્ટરો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

Gujarat Heavy Rain Alert: આ જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ સુરત, વડોદરા, અમદાવાદ(Ahmedabad) , ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે(Flood Alert) વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્રને સંપૂર્ણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

કલેક્ટરો અને અધિકારીઓને અપાઈ ખાસ સૂચનાઓ

ડૉ. જયંતિ રવિએ તમામ જિલ્લા કલેક્ટરોને 24×7 કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને એક વર્ગ-1 અધિકારીને સતત દેખરેખ માટે તૈનાત કરવા સૂચના આપી છે. સાથે જ અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઝડપી કાર્યવાહી થઈ શકે.
NDRF-SDRF તૈનાત, સેનાની ત્રણેય પાંખો સ્ટેન્ડબાય
નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ NDRF અને SDRFની ટીમો તૈનાત રાખવા સૂચના આપવામાં આવી છે. જો પરિસ્થિતિ વધુ ગંભીર બને તો રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય સેનાની આર્મી, નેવી અને એરફોર્સને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હોવાનું જણાવાયું છે.
જરૂર પડે ત્યાં સ્થળાંતર અને રાહત શિબિરોની વ્યવસ્થા
જિલ્લા વહીવટી તંત્રને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી છે. આશ્રયસ્થાનોમાં ભોજન, શુદ્ધ પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહે તેની પણ ખાતરી કરવા કહેવામાં આવ્યું છે.
શાળાઓમાં રજા અંગે કલેક્ટરનો નિર્ણય
સ્થાનિક વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંબંધિત જિલ્લા કલેક્ટરોને શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે.
મીડિયા મારફતે સાચી માહિતી પહોંચાડવા ભાર

અધિક મુખ્ય સચિવે તમામ કલેક્ટરોને વરસાદની સ્થિતિ, રાહત કામગીરી અને સરકારી પગલાં અંગે નિયમિત માહિતી મીડિયા મારફતે જાહેર કરવાની સૂચના આપી છે જેથી અફવાઓ ફેલાય નહીં અને લોકોને અધિકૃત માહિતી મળી રહે.
જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા અને નાગરિકોને અપીલ
રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે રાજ્યભરમાં જોખમી હોર્ડિંગ્સ, બેનરો અને સાઇનબોર્ડ્સ તાત્કાલિક દૂર કરવા તેમજ જર્જરિત મકાનોની આસપાસ જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે. તેમણે રાજ્યના નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી ચાર દિવસ મેઘતાંડવની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર
આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા સહિત જિલ્લામાં 31 જુલાઈએ શાળા-કોલેજોમાં રજા, તંત્ર હાઈ એલર્ટ પર
આ પણ વાંચો: ભારે વરસાદ બાદ જીતુ વાઘાણી મેદાને, નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે અને સહાયની સમીક્ષા
