Somnath Temple Controversy: સોમનાથ મંદિર (Somnath Temple) નીચે બૌદ્ધ ગુફાઓ હોવાનો દાવો કરતી જાહેર હિતની અરજી (PIL) બાદ દાખલ કરાયેલી રિવ્યૂ અરજીને પણ ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. અગાઉ મૂળ અરજીને ₹2 લાખના દંડ સાથે નામંજૂર કરવામાં આવી હતી. હવે અરજદાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની તૈયારીમાં છે.
Somnath Temple: સિનિયર વકીલને રજૂઆત કરવાની મંજૂરી ન મળી
રિવ્યૂ અરજીની સુનાવણી દરમિયાન અરજદાર તરફથી વકીલ રત્ના વોરાએ રજૂઆત કરી હતી કે મુંબઈ હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને સિનિયર એડવોકેટ તાનાજી વિશ્વાસ નાલવડે એક અઠવાડિયા બાદ દલીલો કરવા ઇચ્છે છે. જોકે હાઇકોર્ટે આ માંગ સ્વીકારી નહોતી અને સ્પષ્ટ કર્યું હતું કે રિવ્યૂ અરજીમાં મૂળ કેસમાં હાજર રહેલા વકીલ જ દલીલો કરી શકે છે. પરિણામે રિવ્યૂ અરજી ફગાવી દેવામાં આવી.
મૂળ અરજીમાં શું દાવો કરાયો હતો?
મહારાષ્ટ્રના ડૉ. વિલાસ તુકારામ ખરાટે દ્વારા ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે વર્ષ 2017 દરમિયાન IIT ગાંધીનગર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સોમનાથ મંદિર (Somnath Temple) નીચે બૌદ્ધ ગુફાઓ હોવાના સંકેતો મળ્યા હતા. આ સર્વે જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી હતી.
હાઇકોર્ટે અરજીને ગણાવી હતી પાયાવિહોણી
મૂળ અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે અરજીનો વિરોધ કર્યો હતો અને તેને માત્ર પ્રસિદ્ધિ મેળવવાના હેતુથી દાખલ કરાયેલી અરજી ગણાવી હતી. હાઇકોર્ટે પણ નોંધ્યું હતું કે અરજદાર તરફથી દાવાને સમર્થન આપતા કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. અરજીમાં દર્શાવાયેલા અનેક મુદ્દાઓ માત્ર મીડિયા અહેવાલો પર આધારિત હોવાનું કોર્ટના ધ્યાન પર આવ્યું હતું.
₹2 લાખના દંડ સાથે અરજી ફગાવાઈ હતી
કોર્ટે અરજીને જાહેર હિત અરજીની પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવી હતી અને અરજદાર પર ₹2 લાખનો દંડ ફટકારી અરજી ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન અરજદારે અરજી પરત ખેંચવાની માંગ પણ કરી હતી, પરંતુ કોર્ટે તે સ્વીકારી નહોતી.
હવે સુપ્રીમ કોર્ટમાં અપીલની તૈયારી
ગુજરાત હાઇકોર્ટમાં રિવ્યૂ અરજી પણ નામંજૂર થતાં હવે અરજદાર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં અરજી દાખલ કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:જાણો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો સંપૂર્ણ અને રોમાંચક ઈતિહાસ
આ પણ વાંચો:સોમનાથ મંદિરમાં પ્રથમ વખત થયો ‘કુંભાભિષેક’ મહા અનુષ્ઠાન! જાણો તેનું ધાર્મિક મહત્વ
