Navsari News : નવસારી (Navsari) જિલ્લામાં ભારે વરસાદ અને પૂર (Flood)ની વિકટ પરિસ્થિતિ વચ્ચે સ્થળાંતર (Evacuation)ની કામગીરી સતત ચાલુ છે. ખાસ કરીને ગણદેવી (Gandevi) તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત સુધી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્ર, પોલીસ અને સ્થાનિક લોકોના સંયુક્ત પ્રયાસોથી જોખમી વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા.
ઉંડાચ ગામ (Undach Village)માં પાણીનું સ્તર વધતા 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. રાહત ટીમોએ સમયસર કામગીરી હાથ ધરતા મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે.

બીલીમોરા વિસ્તારમાં પણ પોલીસે સક્રિય બની જોખમગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી કરી હતી. સ્થાનિક સ્વયંસેવકો અને રહેવાસીઓએ પણ બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ખાસ કરીને ચાલવામાં અસમર્થ અને અશક્ત વૃદ્ધોને સ્થાનિકોએ ખભે ઊંચકીને તેમજ સુરક્ષિત રીતે વાહનો સુધી પહોંચાડીને સ્થળાંતર કરાવ્યા હતા. આ માનવતાભર્યા દૃશ્યો સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યા હતા.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ ટીમો સતત સતર્ક રાખવામાં આવી છે.
