Business News/ આજથી તમારા ખિસ્સા પર પડશે સીધી અસર; ક્રેડિટ કાર્ડથી લઈને GST નિયમો સુધી આ 8 ફેરફાર લાગુ

1 ઓગસ્ટ (August)થી દેશમાં 8 મોટા નાણાકીય અને સેવા સંબંધિત નિયમો બદલાઈ ગયા છે. જેમાં કોમર્શિયલ LPG સિલિન્ડરમાં રૂ. 202 નો ઘટાડો, ITR લેટ ફી, રેલવે તત્કાલ ટોકન સિસ્ટમ અને CKYC 2.0 નો સમાવેશ થાય છે.

Business
8 major rules changed across the country from August 1st.

દર મહિનાની શરૂઆતની જેમ જ આ વખતે પણ દેશમાં અનેક દૈનિક ઉપયોગ અને ફાયનાન્સ સંબંધિત નિયમોમાં ફેરફાર થઈ ગયા છે. 1 ઓગસ્ટ (August)થી અમલી બનેલા આ નવા નિયમોની સીધી અસર સામાન્ય નાગરિકથી લઈને મોટા વેપારીઓના બજેટ પર પડશે. જેમાં રસોઈ ગેસના દામ, રેલવે ટિકિટિંગ વ્યવસ્થા, ટેક્સ પેનલ્ટી અને ક્રેડિટ કાર્ડ શરતો સહિતના 8 મોટા બદલાવ સામેલ છે. આવો વિગતે જાણીએ કે આજથી દેશમાં કઈ-કઈ બાબતો બદલાઈ ગઈ છે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂ. 202 નો માતબર ઘટાડો

તેલ કંપનીઓએ મહિનાના પ્રથમ દિવસે જ કોમર્શિયલ ગેસ યુઝર્સને મોટી રાહત આપી છે. 19 કિલોગ્રામ ધરાવતા કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 202 નો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ દેશની રાજધાની દિલ્હીમાં નવો ભાવ રૂ. 2728 અને કોલકાતામાં રૂ. 2,872.50 થઈ ગયો છે. જોકે, ગૃહિણીઓના બજેટને અસર કરતા ઘરગથ્થુ (Domestic) રસોઈ ગેસ સિલિન્ડરના દરમાં કોઈ જ ફેરફાર કરાયો નથી.

રેલવે તત્કાલ બુકિંગ માટે નવી ટોકન વ્યવસ્થા શરૂ

ભારતીય રેલવે દ્વારા રિઝર્વેશન વિન્ડો પર થતી અંધાધૂંધી અને લાંબી લાઈનોને પહોંચી વળવા માટે તત્કાલ ટિકિટિંગ પ્રોસેસમાં મોટો સુધારો કરાયો છે. હવે તત્કાલ વિન્ડો ખુલતાની સાથે જ કાઉન્ટર પર આવેલા મુસાફરોને એક ચોક્કસ ટોકન નંબર ફાળવી દેવાશે. ત્યારબાદ આ ટોકન ક્રમ અનુસાર જ ટિકિટો ઈશ્યૂ કરવામાં આવશે, જેથી સ્ટેશન પર શાંતિ અને પારદર્શક વ્યવસ્થા જાળવી શકાય.

ઇલેક્ટ્રોનિક્સ અને ઘરવપરાશની વસ્તુઓ મોંઘી થવાની શક્યતા

આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા તણાવ અને કાચા માલ (Input Cost) ની કિંમતો વધવાના કારણે ચાલુ મહિને કાર, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, કપડાં અને ચા જેવી દૈનિક ચીજવસ્તુઓની કિંમતમાં 4 થી 6 ટકા સુધીનો વધારો ઝીંકાઈ શકે છે. માર્કેટ એક્સપર્ટ્સના મતે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધતા કંપનીઓ આ બોજ ગ્રાહકો પર નાખી શકે છે.

ITR ફાઈલ કરવા પર લાગશે રૂ.5000 સુધીનો દંડ

નાણાકીય વર્ષ માટે આઈટીઆર (ITR-1 અને ITR-2) ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ પૂરી થઈ ચૂકી છે. જે કરદાતાઓ સમયસર ટેક્સ રિટર્ન ફાઈલ નથી કરી શક્યા, તેમણે હવે 1 ઓગસ્ટથી બિલેટેડ રિટર્ન ભરવું પડશે. આ મોડા રિટર્ન માટે આવકવેરા વિભાગના નિયમ મુજબ રૂ. 1000 થી લઈને રૂ. 5000 સુધીની પેનલ્ટી ચૂકવવી પડશે.

બેંકોના ક્રેડિટ કાર્ડ રિવોર્ડ અને સર્વિસ ચાર્જ બદલાયા

દેશની મુખ્ય બેંકોએ પોતાના ક્રેડિટ કાર્ડ યૂઝર્સ માટેની નીતિઓમાં ફેરફાર કર્યો છે. આજથી ક્રેડિટ કાર્ડ પર મળતા રિવોર્ડ પોઈન્ટ્સ, એન્યુઅલ મેન્ટેનન્સ ફી તેમજ લેટ પેમેન્ટ ચાર્જિસ સંબંધિત નવા દરો અમલમાં આવી ગયા છે. આથી તમામ કાર્ડ ધારકોએ પોતાની સંબંધિત બેંકની નવી ટર્મ્સ અને કંડિશન્સ ચકાસી લેવી હિતાવહ છે.

નાણાકીય વ્યવહારો થશે સુગમ

બેંકિંગ, મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્શ્યોરન્સ સેક્ટરમાં ગ્રાહકોને વારંવાર ડોક્યુમેન્ટ્સ આપવાની ઝંઝટમાંથી મુક્તિ આપવા માટે ‘CKYC 2.0’ (સેન્ટ્રલ કેવાયસી) સિસ્ટમ અમલી બની છે. હવે ગ્રાહકના માત્ર એક ડિજિટલ કન્સન્ટ (મંજૂરી) થી તમામ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટ્સ સેન્ટ્રલ ડેટાબેઝમાંથી જ જરૂરી KYC વેરિફિકેશન પૂર્ણ કરી શકશે.

GST અને ઈ-વે બિલ માટે ‘Ship-To’ GSTIN ફરજિયાત

વેપારી આલમ માટે GST સિસ્ટમ વધુ પારદર્શક બનાવાઈ છે. ‘Bill To–Ship To’ મોડેલ હેઠળ થતા તમામ ટ્રાન્ઝેક્શન્સમાં હવેથી ‘Ship-To’ નો GSTIN નંબર આપવો અનિવાર્ય રહેશે. આ ઉપરાંત સિસ્ટમ દ્વારા જીએસટી નંબર અને સ્ટેટ કોડનું ઓટો-વેરિફિકેશન પણ તાત્કાલિક ધોરણે થઈ જશે.

પેટ્રોલ અને ડીઝલના નવેસરથી રેટ જાહેર

દેશની સરકારી તેલ વિતરણ કંપનીઓએ સવારે 6 વાગ્યે ઇંધણના નવા ભાવ જારી કર્યા છે. રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ-ડીઝલની મૂળ કિંમતો યથાવત રાખવામાં આવી છે. દિલ્હીમાં પેટ્રોલ રૂ. 102.12 અને ડીઝલ રૂ. 95.20 પ્રતિ લિટર મળી રહ્યું છે, પરંતુ રાજ્યવાર લાગતા અલગ-અલગ વેટ (VAT) ને કારણે વિવિધ શહેરોમાં દરોમાં સામાન્ય તફાવત જોવા મળી શકે છે.


આ પણ વાંચો:શેરબજારમાં રિટર્નની રફ્તાર: ક્રૂડ ઓઈલના ભડકા વચ્ચે પણ સેન્સેક્સ 166 પોઈન્ટ ઉછળ્યો

આ પણ વાંચો:ઓગસ્ટમાં બેંક રજાઓ: સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન… ઓગસ્ટમાં બેંકો 14 દિવસ રહેશે બંધ, જાણો ક્યાંરે બેંક રહેશે બંધ?

આ પણ વાંચો:6 વર્ષ બાદ ભારત-ચીન વચ્ચે ફરી ખુલશે શિપકી લા ટ્રેડ રૂટ,જાણો ક્યારથી શરૂ થશે માલની આપ-લે