Gujarat Rain News Live : ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ (Gujarat Rain)વરસતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે કચ્છ, મોરબી, જામનગર, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને આણંદ સહિત 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ (Red Alert)જાહેર કર્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત સહિત રાજ્યના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
વડોદરા : કરજણમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
કરજણ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ કોલીયાદ ગામે ભૂખી કાંસનું પાણી ફરી વળ્યું છે. મેથી-સામરી-કોલીયાદ માર્ગો પર તેમજ જાહેર રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. વધુ વરસાદ વરસે તો સ્થિતિ વધુ વિકટ બનવાની શક્યતા છે.
સુરતમાં ધોધમાર વરસાદથી પૂર જેવી સ્થિતિ, કિમ નદી ભયજનક સપાટી પાર
સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કિમ નદી ભયજનક સપાટી વટાવી ગઈ છે. કઠોડરા વિસ્તારની બે સોસાયટીમાંથી SDRFની ટીમે 23થી વધુ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું છે. મામલતદાર અને પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. રાંદેર વિયર-કમ-કોઝવે 7.90 મીટર સુધી પહોંચતાં તાપી નદી બંને કાંઠે વહી રહી છે.
રાજયમાં આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ એલર્ટ
રાજ્યમાં આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ એલર્ટ
અમદાવાદ સહિત 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે સાવચેતી રાખવાની અપીલ કરી છે.
રાજકોટ : વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કપાસ, મગફળી સહિતના પાકને વરસાદથી ફાયદો થતાં વાવણી બાદ ખેડૂતોને મોટી રાહત મળી છે. જોકે, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં હજુ વધુ વરસાદની જરૂર છે અને જિલ્લાના મોટાભાગના ડેમ હજુ પણ નીચા જળસ્તરે છે.
નવસારી : વાંસદામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
વાંસદામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર સર્જાયો છે. 16 ઇંચથી વધુ વરસાદ વરસતા અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. વાંસદા-ચીખલી માર્ગ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરાયો છે. પોલીસે 35 રાહદારીઓને સુરક્ષિત સ્થળે ખસેડી બચાવ કામગીરી હાથ ધરી છે.
અમરેલી : સતત વરસાદ વચ્ચે નુકસાન
સતત વરસાદ વચ્ચે નાના લીલીયા તાલુકામાં એક ખેડૂતનું મકાન ધરાશાયી થયું. મકાનમાં રાખેલા માલઢોર અને ખેતીના સાધનોને નુકસાન પહોંચ્યું. સદનસીબે ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ કે ઈજા થઈ નથી. વરસાદથી નુકસાનની આ પ્રથમ ઘટના સામે આવી છે.
અમરેલી : વરસાદમાં 4 સિંહ ગામમાં આવ્યા
સાવરકુંડલાના અભરામપરા ગામમાં વરસાદ દરમિયાન ચાર સિંહો ઘૂસી આવ્યા હતા. સિંહોએ પાલતુ પશુનો શિકાર કરી ગોડાઉન પાસે કલાકો સુધી મારણ આરોગ્યું. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ગામમાં સિંહો દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ખોરાકની શોધમાં સિંહો ગામમાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ (Gujarat Rain)નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં સૌથી વધુ 24 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે અન્ય 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદ (Heavy Rain)વચ્ચે અનેક વિસ્તારોમાં પૂર, પાણી ભરાવા, રસ્તા બંધ, વૃક્ષો ધરાશાયી થવા, વીજપોલ તૂટી પડવા અને ડેમમાંથી પાણી છોડવાની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યભરમાં એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર દ્વારા સતત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
નવસારીમાં પૂર (Navsari Flood)ની ગંભીર સ્થિતિ
નવસારી શહેરમાં પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી હોવાથી શહેરનો 30 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. ગધેવાન, કાલીયાવાડી, કાછિયાવાડી, ભેંસતખાડા અને અન્ય વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
પૂર્ણા નદી 28 ફૂટ, અંબિકા નદી 35.42 ફૂટ અને કાવેરી નદી 25 ફૂટ સુધી પહોંચતાં સ્થિતિ ગંભીર બની છે.
નવસારી જિલ્લામાં પંચાયત હસ્તકના કુલ 160 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં વાંસદા તાલુકામાં સૌથી વધુ 53 રસ્તાઓ અસરગ્રસ્ત છે.
દર્દી સહિત અનેક લોકોનું રેસ્ક્યૂ
શાંતાદેવી રોડ વિસ્તારમાં 10થી 12 ફૂટ પાણી ભરાતા ફાયર બ્રિગેડે બોટ મારફતે બીમાર દર્દીને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.
છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિન નદીમાંથી બે યુવકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જ્યારે વલસાડમાં ઔરંગા નદીના બ્રિજ પર ફસાયેલા ત્રણ યુવકોને પણ સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા.
વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠની હોસ્ટેલમાં પાણી ભરાતા 150 વિદ્યાર્થીઓનું સ્થળાંતર કરાયું.
અમદાવાદમાં રેડ એલર્ટ છતાં પરીક્ષા
અમદાવાદમાં ભારે વરસાદ (Ahmedabad Rain)ને કારણે અનેક અંડરપાસ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. રાજ્ય સરકારે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી હોવા છતાં બોપલ સ્થિત TCS iON સેન્ટર ખાતે SBI PO પરીક્ષા યોજાતા ઉમેદવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
ચાંદલોડિયા અંડરપાસ સહિત અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.
સુરેન્દ્રનગરમાં જળબંબાકાર
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 4થી 8 ઇંચ વરસાદ નોંધાયો છે.
- લખતર – 8 ઇંચ
- વઢવાણ – 7 ઇંચ
- ચૂડા – 7 ઇંચ
- મૂળી – 6 ઇંચ
વાંસલ ડેમ ઓવરફ્લો થતાં ચુડા અને આસપાસના ગામોને એલર્ટ અપાયું છે. મૂળી તાલુકાનો નાયકા ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ગયો છે.
અનેક ડેમમાંથી પાણી છોડાયું
રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે.
- ભાદર-2 ડેમ
- આજી-2 ડેમ
- ખાંભડા ડેમ
- વાંસલ ડેમ
- નાયકા ડેમ
ડેમમાંથી પાણી છોડાતા અનેક નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
વલસાડમાં ફરી પૂર
વલસાડમાં ઔરંગા નદીનું પાણી ઓસર્યા બાદ પણ અનેક વિસ્તારોમાં કાદવ અને ગંદકી ફેલાઈ છે.
કાશ્મીરનગર સહિતના વિસ્તારોમાં 70થી વધુ ઘરોમાં ઘરવખરી તણાઈ જતાં સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે.
રાજકોટમાં એલર્ટ
રાજકોટ શહેરમાં ભારે વરસાદ વચ્ચે રૈયા રોડ પર વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું.
આજી-2 ડેમ અને ભાદર-2 ડેમમાંથી પાણી છોડાતા અનેક ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
મહેસાણાના કડીમાં પાણી ઘૂસ્યા
કડીમાં માત્ર ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતા અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા.
અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો.
મૃત્યુ અને અકસ્માત
રાજ્યમાં વરસાદ સંબંધિત બે દુર્ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા છે.
- નવસારીમાં કરંટ લાગતા ત્રણ લોકોના મોત
- આણંદમાં ખુલ્લી કાંસમાં ડૂબી જતાં એક બાળકીનું મોત
તંત્રની અપીલ
હવામાન વિભાગે આગામી કલાકોમાં ભારે વરસાદ (Heavy Rain),પવન અને વીજળીની આગાહી કરી છે.
તંત્રએ લોકોને અપીલ કરી છે કે,
-
- બિનજરૂરી બહાર ન નીકળવું
- નદી, ડેમ અને કોઝવે પાસે ન જવું
- નીચાણવાળા વિસ્તારો ખાલી કરવાં
- સત્તાવાર સૂચનાઓનું પાલન કરવુ
આ પણ વાંચો: દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, આગામી 24 કલાક રહેશે ભારે
આ પણ વાંચો:મહેસાણામાં ભારે વરસાદની આગાહીને પગલે 1 ઓગસ્ટે તમામ શાળાઓમાં રજા જાહેર
આ પણ વાંચો:વલસાડમાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ, તંત્ર એલર્ટ મોડમાં; NDRF-SDRFની ટીમો તૈનાત
