Sports News: ભારતીય બેડમિન્ટનની યુવા સ્ટાર તન્વી શર્મા (Tanvi Sharma)એ માત્ર 17 વર્ષની ઉંમરે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. તેણે તાઇપેઈ ઓપન (Taipei Open) 2026ના મહિલા સિંગલ્સ ફાઇનલમાં વિયેતનામની થુઈ લિન્હ ન્ગુયેનને હરાવી ખિતાબ જીત્યો છે. આ જીત સાથે તે તાઇપેઈ ઓપનના ઇતિહાસમાં સૌથી યુવા ચેમ્પિયન બનનાર શટલર બની છે. તેની આ સિદ્ધિ બાદ ભારતના રમતજગતમાં ખુશીની લહેર ફેલાઈ છે, જ્યારે ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ પણ તેના વખાણ કર્યા છે.
17 વર્ષની Tanvi Sharma નો ઐતિહાસિક વિજય
તાઇપેઈ ઓપન 2026ના ફાઇનલમાં તન્વી શર્માએ શરૂઆતથી જ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. તેણે વિયેતનામની થુઈ લિન્હ ન્ગુયેન સામે 21-16, 21-16થી સીધી બે ગેમમાં જીત મેળવી હતી. મેચની શરૂઆતમાં જ તન્વીએ 10-2ની સરસ લીડ મેળવી લીધી હતી. જોકે, પ્રતિસ્પર્ધીએ વાપસીનો પ્રયાસ કરતાં સ્કોર 10-8 સુધી પહોંચાડ્યો હતો. તેમ છતાં તન્વીએ શાનદાર આત્મવિશ્વાસ અને ધીરજ દાખવી મેચ પર ફરી કાબૂ મેળવ્યો અને ટ્રોફી પોતાના નામે કરી. આ તન્વીના કરિયરની પ્રથમ BWF સુપર-300 ટ્રોફી છે તેમજ વર્ષ 2026નો તેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ખિતાબ પણ છે.
18 વર્ષ બાદ ભારતના નામે ફરી આવ્યો તાઇપેઈ ઓપનનો ખિતાબ
વર્ષ 2008માં ભારતીય બેડમિન્ટનની દિગ્ગજ ખેલાડી સાયના નેહવાલે તાઇપેઈ ઓપનનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ લગભગ 18 વર્ષ પછી ફરી એક વખત કોઈ ભારતીય મહિલા ખેલાડીએ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન (Champion)બનવાનો ગૌરવ મેળવ્યો છે. તન્વીની આ જીત ભારતીય બેડમિન્ટન માટે નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.
પીવી સિંધુએ કર્યાની પ્રસંશા
તન્વીની ઐતિહાસિક જીત બાદ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (PV Sindhu)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેની પ્રશંસા કરી હતી. સિંધુએ લખ્યું કે તન્વીમાં શરૂઆતથી જ શ્રેષ્ઠ ખેલાડી બનવાના તમામ ગુણો જોવા મળતા હતા. તેની પ્રતિભા, આત્મવિશ્વાસ અને મોટા ખેલાડીઓને પડકારવાની ક્ષમતા અદ્ભુત છે. સિંધુએ વધુમાં કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે અને સતત મહેનત તથા સમર્પણથી તન્વી ભારતીય બેડમિન્ટનને વધુ ઊંચાઈએ લઈ જશે.
માત્ર 17 વર્ષની ઉંમરે સુપર-300 ટાઇટલ જીતવું કોઈ સામાન્ય સિદ્ધિ નથી. તન્વી શર્માએ સાબિત કર્યું છે કે ભારત પાસે વિશ્વ સ્તરે સફળતા મેળવવા સક્ષમ નવી પેઢીના પ્રતિભાશાળી ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે. હવે ચાહકોને આશા છે કે તે ભવિષ્યમાં ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ જેવી મોટી સ્પર્ધાઓમાં પણ ભારતનું ગૌરવ વધારશે.
આ પણ વાંચો:પીવી સિંધુ લગ્નનાં તાંતણે બંધાઈ, ઉદેપુરમાં વેંકટ દત્તા સાઈ સાથે ફેરા ફર્યા
આ પણ વાંચો:બેડમિન્ટનમાં ભારતનો મોટો ધડાકો, આયુષ શેટ્ટીએ રચ્યો ઇતિહાસ, શું 61 વર્ષ પછી ફરી આવશે ગોલ્ડ?
