Surat News: સુરતના નાસિરનગર ડિમોલિશન (Nasirnagar Demolition) મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) મહત્વપૂર્ણ રાહત આપતો આદેશ આપ્યો છે. બાકી રહેલા મકાનોને તાત્કાલિક તોડી પાડવામાં નહીં આવે તેવી બાંહેદરી સુરત મહાનગરપાલિકા (SMC)એ હાઈકોર્ટ સમક્ષ આપી છે. સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ કાર્યવાહી પહેલાં નોટિસ આપવી અને કાયદેસરની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે.
Nasirnagar Demolition: હાલ બાકી રહેલા મકાનો નહીં તોડાય
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સુરત મહાનગરપાલિકાએ રજૂઆત કરી હતી કે નાસિરનગરમાં બાકી રહેલા મકાનો સામે હાલ કોઈ ડિમોલિશનની ( Surat Demolition Case) કાર્યવાહી હાથ ધરવામાં આવશે નહીં. આ બાંહેદરીને કોર્ટે નોંધ પર લીધી છે.
કાયદેસરની પ્રક્રિયા બાદ જ કાર્યવાહી
ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ સૂચના આપી છે કે જો ભવિષ્યમાં કોઈ મકાન સામે કાર્યવાહી કરવાની જરૂર પડે તો સૌપ્રથમ સંબંધિત મિલકતધારકોને નોટિસ આપવી પડશે અને કાયદા મુજબની સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન કર્યા બાદ જ આગળના પગલાં ભરવાના રહેશે.
મકાન માલિકોએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો

નાસિરનગરના બાકી રહેલા મકાનોના માલિકોએ સંભવિત ડિમોલિશન સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજદારોનો આક્ષેપ હતો કે કાયદેસરની પ્રક્રિયા વિના કાર્યવાહી થવાની શક્યતા હોવાથી તેમને ન્યાયિક સુરક્ષા આપવામાં આવે.
દલીલો બાદ હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
અરજદારો તરફથી એડવોકેટ ઝમીર શેખે દલીલો રજૂ કર્યા બાદ હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાને કાયદાની જોગવાઈઓનું કડક પાલન કરીને જ કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ આદેશથી હાલ માટે નાસિરનગરના બાકી રહેલા મકાન માલિકોને રાહત મળી છે, જ્યારે આગામી કાર્યવાહી સંપૂર્ણપણે કાયદેસરની પ્રક્રિયા અનુસાર જ થશે.
આ પણ વાંચો: સુરત નાસીરનગર ડિમોલિશન કેસ: હાઈકોર્ટના રાજ્ય સરકાર અને પોલીસને આકરા સવાલ, એક મહિનાથી FIR કેમ નહીં?
