Amreli News: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતીરાળા ગામે જમકુડી નદી (Jamkudi River)માં નવા નીરના વધામણા પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમને લઈને વિવાદ સર્જાયો છે. પદ્મશ્રી સવજી ધોળકિયાના સન્માનના નામે આયોજિત આ કાર્યક્રમમાં સુરક્ષાની બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, કાર્યક્રમ દરમિયાન ડ્રોન શૂટિંગ અને પ્રચાર મેળવવાના હેતુથી નાના બાળકો, મહિલાઓ અને ગ્રામજનોને નદીના વહેતા પાણી વચ્ચે ઊભા રાખવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચેકડેમની જોખમી પાળ પર પણ લોકો મોટી સંખ્યામાં ઉભા જોવા મળ્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, જળપ્રવાહ વચ્ચે લોકોની સુરક્ષા માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. જો પાણીનો પ્રવાહ અચાનક વધી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

અધિક કલેક્ટરના જાહેરનામાના ભંગનો આક્ષેપ
અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગાઉ જળાશયો, નદીઓ, તળાવો, પુલ અને જોખમી સ્થળોએ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
કલમ 163 હેઠળ જાહેર કરાયેલા આ આદેશ મુજબ, નદી-જળાશયોમાં પ્રવેશ કરવો, નાહવું, જોખમી સ્થળોએ જઈને સેલ્ફી લેવી અથવા કેમેરા-મોબાઈલથી શૂટિંગ કરવું પ્રતિબંધિત છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે જમકુડી નદી (Jamkudi River)ના કાર્યક્રમમાં આ જાહેરનામાની અવગણના કરવામાં આવી છે. જોકે, આ મામલે તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે કાર્યવાહી સામે આવી નથી.
Jamkudi River: સ્થાનિકોએ કાર્યવાહીની માંગ કરી
સ્થાનિક વિક્રમભાઈએ આ અંગે સવાલ ઉઠાવતા જણાવ્યું કે, માતાઓ, મહિલાઓ, વડીલો અને બાળકોને જીવના જોખમે નદીના પ્રવાહ વચ્ચે ઊભા રાખવું કેટલું યોગ્ય છે? તેમણે સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર પાસે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અગાઉ રાજુલા પોલીસે કર્યો હતો જાહેરનામાનો અમલ
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ રાજુલા પોલીસ દ્વારા નદી કાંઠે જોખમી રીતે જતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે કેસ પણ નોંધવામાં આવ્યા હતા.હવે લાઠી પંથકમાં સામે આવેલા આ જોખમી દ્રશ્યો બાદ સવાલ ઉઠી રહ્યો છે કે, નિયમોનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી ક્યારે થશે?
આ પણ વાંચો:અમરેલી-બગસરા નેશનલ હાઇવે બંધ: સાતલડી નદીમાં પૂરથી પુલ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ
આ પણ વાંચો:અમરેલીમાં શેત્રુંજી નદીમાં ન્હાવા પડેલા ચાર બાળકો ડુબ્યા, 3 બાળકોના મૃતદેહ મળ્યા
