Gujarat News/ રખડતા શ્વાનોના મુદ્દે હાઇકોર્ટ કડક, NHAIને ટકોર: ‘ટોલ લો છો તો હાઇવે પર ટ્રોમા સેન્ટર પણ આપો’

Gujarat HC Stray Dogs Case: રખડતા શ્વાનો અને હાઇવે અકસ્માતોના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ કડક બન્યું છે. NHAIને ટોલ સાથે ટ્રોમા સેન્ટર જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવા ટકોર કરી, જ્યારે રાજ્યમાં એનિમલ બર્થ કન્ટ્રોલ કામગીરીની પણ સમીક્ષા થઈ… વધુ વાંચો.

Top Stories Gujarat
Gujarat HC Stray Dogs Case: NHAIને કડક ટકોર

Gujarat News: ગુજરાત હાઇકોર્ટે રખડતા શ્વાનોની સમસ્યાને (Gujarat HC Stray Dogs Case) લઈને દાખલ કરાયેલી સુઓ મોટો અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) પાસેથી લેવાઈ રહેલી કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું કે હાઇવે પર ટોલ વસૂલવામાં આવે છે તો અકસ્માત સમયે જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ હોવી જોઈએ.

Gujarat HC Stray Dogs Case: રાજ્યમાં 23 એનિમલ બર્થ કન્ટ્રોલ સેન્ટર કાર્યરત

સરકાર તરફથી હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી કે હાલમાં રાજ્યના 16 જિલ્લાઓમાં કુલ 23 એનિમલ બર્થ કન્ટ્રોલ સેન્ટર (Animal Birth Control)  કાર્યરત છે. અહીં શ્વાનોના સ્ટરિલાઇઝેશન, રસીકરણ, સારવાર, ફરિયાદ નિવારણ અને એડોપ્શન જેવી કામગીરી કરવામાં આવે છે. અમદાવાદમાં હાલમાં બે સેન્ટર કાર્યરત છે અને વધુ બે શરૂ કરવાની યોજના છે. રાજ્યભરમાં કુલ 29 એનિમલ બર્થ કન્ટ્રોલ સેન્ટર ઉભા કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

છ મહિનામાં હજારો શ્વાનોનું સ્ટરિલાઇઝેશન અને રસીકરણ

છ મહિનામાં હજારો શ્વાનોનું સ્ટરિલાઇઝેશન અને રસીકરણ

સરકારી માહિતી મુજબ એનિમલ બર્થ કન્ટ્રોલ સેન્ટરોમાં 81 પશુચિકિત્સકો અને 181 પેરામેડિકલ સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા છ મહિનામાં 36 હજારથી વધુ શ્વાનોનું સ્ટરિલાઇઝેશન કરવામાં આવ્યું છે, જ્યારે 44 હજારથી વધુ પ્રાણીઓને રેબીઝની રસી આપવામાં આવી છે. શ્વાનોને ઓળખ માટે જિયો ટેગ અને બારકોડ પણ લગાવવામાં આવી રહ્યા છે.

ગ્રીન અને રેડ ઝોન બનાવી થશે કામગીરી

હાઇકોર્ટના સૂચન બાદ રાજ્ય સરકારે જણાવ્યું કે હવે વિસ્તાર પ્રમાણે ગ્રીન અને રેડ ઝોન નક્કી કરીને વોર્ડવાઇઝ કામગીરી હાથ ધરાશે. કોર્ટે શાંત સ્વભાવના શ્વાનોનું સ્ટરિલાઇઝેશન કરીને તેમને ફરી તે જ વિસ્તારમાં છોડવા તેમજ તેમના વર્તન પર સતત નજર રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અમદાવાદમાં આ માટે પાયલોટ પ્રોજેક્ટ પણ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.

વેસ્ટ મેનેજમેન્ટ અને પુનર્વસન પર પણ કોર્ટે ભાર મૂક્યો

સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે માત્ર સ્ટરિલાઇઝેશન પૂરતું નથી, પરંતુ શ્વાનોના પુનર્વસન અને વેસ્ટ મેનેજમેન્ટ પર પણ અસરકારક કામગીરી જરૂરી છે. વધેલો ખોરાક જાહેર સ્થળે નાખતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પણ કોર્ટને જણાવાયું હતું.

NHAIને ફેન્સિંગ અને ટ્રોમા સેન્ટર અંગે કોર્ટની ટકોર

Gujarat HC Stray Dogs Case: NHAIને કડક ટકોર

હાઇકોર્ટે નેશનલ હાઇવે પર પશુઓના કારણે થતા અકસ્માતોને ગંભીર મુદ્દો ગણાવ્યો હતો. કોર્ટે હાઇવેની બંને બાજુ ફેન્સિંગ કરવાની જરૂરિયાત દર્શાવી હતી. NHAIએ જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં સ્થાનિકોના વિરોધને કારણે ફેન્સિંગમાં મુશ્કેલીઓ આવે છે, જોકે અકસ્માતપ્રવણ વિસ્તારોમાં ચેતવણીના સાઇનેજ લગાવવામાં આવી રહ્યા છે.

‘ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો’

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની કામગીરી પર અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે જ્યારે નેશનલ હાઇવે પર ટોલ વસૂલવામાં આવે છે, ત્યારે દરેક હાઇવે પર ટ્રોમા સેન્ટર (Highway Trauma Centre) જેવી જરૂરી સુવિધા પણ  હોવી જોઈએ. કોર્ટે NHAI પાસેથી વધુ અસરકારક આયોજન અને અમલીકરણની અપેક્ષા વ્યક્ત કરી હતી. મામલે આગામી સુનાવણીમાં વધુ ચર્ચા હાથ ધરવામાં આવશે.


આ પણ વાંચો: સુરત ફેમિલી કોર્ટનો ડિજિટલ ચુકાદો: કેનેડા-આફ્રિકામાં રહેતા દંપતીને વીડિયો કોન્ફરન્સથી મળ્યા છૂટાછેડા

આ પણ વાંચો: રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે Cyber Centre of Excellenceની મુલાકાત લીધી

આ પણ વાંચો: સુરતમાં ખાડીપૂર મુદ્દે મનપાના પ્લાન પર ભાજપના MLAનો સવાલ, ‘કાગળ પર નહીં, જમીન પર કામ કરો’