New Delhi News: ભારત સરકારે Metaની ગ્લોબલ ટીમને સમન્સ પાઠવી 5 અને 6 ઓગસ્ટે દિલ્હીમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્ર સરકાર CSAM સંબંધિત મુદ્દાઓ, હાઈ-પ્રોફાઇલ એકાઉન્ટ્સ સામે થયેલી કાર્યવાહી અને કન્ટેન્ટ મોડરેશન સહિતના વિવિધ મુદ્દાઓ પર મેટા પાસેથી સ્પષ્ટતા માંગશે.
Metaની ગ્લોબલ ટીમને ભારત સરકારે મોકલ્યું સમન્સ
કેન્દ્ર સરકાર (India Government)ના આઈ.ટી સચિવ (IT Secretary)એસ. કૃષ્ણને જણાવ્યું કે મેટા જેવી મોટી ટેક કંપનીઓએ તેમની સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરે તેની ખાતરી કરવી જરૂરી છે. આ માટે સરકારે મેટાની ગ્લોબલ ટીમને 5 અને 6 ઓગસ્ટે દિલ્હીમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે. સરકાર આ બેઠક દરમિયાન પ્લેટફોર્મ પર કન્ટેન્ટ મેનેજમેન્ટ અને નિયમોના અમલ અંગે વિસ્તૃત ચર્ચા કરશે.
સીએસએએમ અને કન્ટેન્ટ મોડરેશન સહિતના મુદ્દાઓ પર ચર્ચા
સરકાર મેટા સમક્ષ બાળકોના યૌન શોષણ સંબંધિત સામગ્રીને રોકવા માટે લેવાયેલા પગલાં, કૃત્રિમ રીતે બનાવાયેલી માહિતી (Synthetic Content) અને અન્ય સંવેદનશીલ કન્ટેન્ટને લઈને પ્રશ્નો ઉઠાવશે. સરકાર જાણવા માંગે છે કે આવા મુદ્દાઓને અસરકારક રીતે નિયંત્રિત કરવા મેટા દ્વારા કયા ટેક્નિકલ ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે.
PM મોદીની પોસ્ટ હટાવવાના મુદ્દે પણ થશે ચર્ચા
તાજેતરમાં મેટાના પ્લેટફોર્મ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક રીલ થોડા સમય માટે હટાવવામાં આવી હતી, જે બાદમાં ફરીથી ઉપલબ્ધ થઈ હતી. આ ઘટનાને લઈને પણ સરકાર મેટા પાસેથી સ્પષ્ટતા માંગે તેવી શક્યતા છે. આઈ.ટી સચિવના જણાવ્યા મુજબ, ખાસ કરીને વેરિફાઇડ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરતા પહેલાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ.
મેટા પાસેથી માંગશે જવાબ
એસ. કૃષ્ણને જણાવ્યું કે સરકાર મેટાને પૂછશે કે કેટલીક સિસ્ટમો અપેક્ષા મુજબ કેમ કાર્ય કરી રહી નથી અને તે પાછળના પડકારો શું છે. તેમણે ઉમેર્યું કે વિશ્વની અગ્રણી ટેક કંપની તરીકે મેટા પાસે આવા સંવેદનશીલ મુદ્દાઓને અસરકારક રીતે સંભાળવા માટે જરૂરી ટેક્નોલોજી ઉપલબ્ધ હોવી જોઈએ.
આ પણ વાંચો:PM મોદીના NEET Paper Leak સંબોધનનો વીડિયો Facebook પરથી હટ્યો, વિવાદ બાદ મેટાએ માફી માગી
આ પણ વાંચો:EUની Metaને કડક ચેતવણી, Facebook-Instagramના વ્યસન વધારતા ફીચર્સ હટાવવાનો આદેશ
આ પણ વાંચો:EDએ GOOGLE અને મેટાને ફરી હાજર થવા માટે મોકલી નોટિસ , 21 જુલાઈએ હાજર થયા નહીં!
