Warld News: યુરોપિયન સંઘે Meta સામે કડક વલણ અપનાવ્યું છે. EUનું કહેવું છે કે Facebook અને Instagramમાં રહેલા કેટલાક ફીચર્સ વપરાશકર્તાઓને, ખાસ કરીને બાળકો અને કિશોરોને, લાંબા સમય સુધી સ્ક્રીન સાથે જોડાયેલા રાખે છે. આથી Metaને આવા ફીચર્સમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે.
Metaને EUની ચેતવણી, અનંત સ્ક્રોલિંગ સહિતના ફીચર્સ પર સવાલ
યુરોપિય સંઘે Meta પર આરોપ લગાવ્યો છે કે Facebook અને Instagramનું ડિઝાઇન વપરાશકર્તાઓને વારંવાર પ્લેટફોર્મ પર પાછા આવવા અને લાંબા સમય સુધી સ્ક્રીન સામે રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. કમિશને કંપનીને આવા ફીચર્સમાં ફેરફાર કરવા અને વ્યસન વધારતા તત્વો દૂર કરવાની સૂચના આપી છે.
આ ફીચર્સ પર ઉઠ્યા સવાલ
EUના પ્રાથમિક તારણ મુજબ Infinite Scrolling, Autoplay Videos, વ્યક્તિગત પસંદગી આધારિત કન્ટેન્ટ રેકમેન્ડેશન અને Push Notifications જેવા ફીચર્સ લોકોને સતત સોશિયલ મીડિયા વાપરવા પ્રેરિત કરે છે. પરિણામે વપરાશકર્તાઓ કલાકો સુધી એપ પર સક્રિય રહે છે.
બાળકોની સુરક્ષા પર ચિંતા
યુરોપિયન સંઘનું કહેવું છે કે Metaએ તેના આ ફીચર્સ બાળકો અને કિશોરોના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે તેનું પૂરતું મૂલ્યાંકન કર્યું નથી. કંપનીએ સ્ક્રીન ટાઈમ નિયંત્રિત કરવા અને માતા-પિતા માટે કેટલીક સુરક્ષા સુવિધાઓ આપી છે, પરંતુ તે સરળતાથી બંધ કરી શકાય છે અથવા તેનો ઉપયોગ કરવો જટિલ હોવાથી તેનો વાસ્તવિક લાભ મર્યાદિત રહે છે.
EU શું ફેરફાર ઇચ્છે છે?
સંઘે Metaને ડિફોલ્ટ રૂપે ચાલુ રહેતા Infinite Scrolling અને Autoplay જેવા ફીચર્સમાં ફેરફાર કરવાની ભલામણ કરી છે. સાથે જ વપરાશકર્તાઓને સમયાંતરે સ્ક્રીનમાંથી બ્રેક લેવા પ્રોત્સાહિત કરતા વિકલ્પો ઉમેરવાની પણ માંગ કરી છે.
Metaનો જવાબ
Metaએ આ તમામ આરોપોને સંપૂર્ણપણે નકાર્યા નથી. કંપનીનું કહેવું છે કે કિશોરોની સુરક્ષા માટે તેણે ‘ટીન એકાઉન્ટ્સ (Teen Accounts)’ જેવી સુવિધા શરૂ કરી છે. આ સુવિધા હેઠળ માતા-પિતા રાત્રિના સમયે Instagramનો ઉપયોગ નિયંત્રિત કરી શકે છે તેમજ દરરોજના સ્ક્રીન ટાઈમની મર્યાદા 15 મિનિટ સુધી નક્કી કરી શકે છે. Metaએ જણાવ્યું છે કે તે યુરોપિયન સંઘને સતત સહકાર આપશે અને વધુ સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે
દંડની શક્યતા
Metaને યુરોપિયન સંઘના પ્રાથમિક તારણો પર પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવશે. ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો તપાસમાં Meta દ્વારા નિયમોનું ઉલ્લંઘન સાબિત થશે તો કંપની પર તેની વૈશ્વિક વાર્ષિક આવકના 6 ટકા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે યુરોપિયન સંઘે 2024માં ડિજિટલ સર્વિસિસ એક્ટ (DSA) હેઠળ Meta વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. આ વર્ષે સંઘે એવો પણ આક્ષેપ કર્યો હતો કે Meta 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને Facebook અને Instagram પર એકાઉન્ટ બનાવતા રોકવામાં તેમજ પહેલાથી બનેલા આવા એકાઉન્ટ્સને ઓળખીને દૂર કરવામાં પૂરતા અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ રહી છે.
આ પણ વાંચો: Facebook, Instagram અને WhatsAppને લઈને નવી સૂચનાઓ જાહેર
આ પણ વાંચો: Metaએ Facebook સેવાનો દુરુપયોગ અટકાવવા પારદર્શિતા લાવવા નવા ધોરણો વિકસાવ્યા
આ પણ વાંચો: મોટો ઘટસ્ફોટ! Facebookએ તમારા પર્સનલ મેસેજ લીક કર્યા, બધા યુઝર્સ થયા ચિંતિત
