Amreli News: ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા, ત્યારે અમરેલી જિલ્લામાં ફરી મેઘરાજા (Amreli Rain)એ મહેર કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન અમરેલી સહિત અનેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે તેમજ કેટલાક સ્થળોએ સારો વરસાદ (Amreli Rain) નોંધાયો હતો. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અમરેલી, વડિયા, બાબરા, લાઠી અને લીલીયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. અમરેલી શહેરના કેટલાક માર્ગો પણ વરસાદી પાણીથી ભરાઈ ગયા હતા. લાંબા સમય બાદ થયેલા વરસાદથી ખેડૂતોને મોટી રાહત મળી છે.
અમરેલી તાલુકાના અનેક ગામોમાં વરસાદ
અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળીયા, માસીયાળા, વરસડા અને ઈશ્વરિયા સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતાં ખેતરોમાં પણ પાણી પહોંચ્યું છે. વરસાદ (Amreli Rain)ની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે. વરસાદના અભાવે મરઝાઈ રહેલા પાકને જરૂરી ભેજ મળતાં ખેતીને ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે.
બાબરા પંથકમાં પણ મેઘરાજાની એન્ટ્રી
બાબરા તાલુકાના જામબરવાળા, ખાખરીયા, પાનસડા, ગરણી અને કરીયાણા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો. કેટલાંક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક સ્થળોએ ધીમીધારે વરસાદ (Amreli Rain) નોંધાયો હતો. બાબરા પંથકમાં વરસાદ થતાં ખેતરોમાં પાકને પાણી મળ્યું છે. હાલના તબક્કે પડેલો વરસાદ ખેતી માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
વડિયા, લાઠી અને લીલીયામાં વરસાદ
વડિયા, લાઠી અને લીલીયા પંથકમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો. આ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડતાં ખેડૂતોમાં રાહત જોવા મળી હતી. વરસાદ ખેંચાઈ જતાં પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી હતી. જોકે, હવે થયેલા વરસાદથી વિવિધ પાકને જરૂરી પાણી મળવાની આશા છે.
રાજુલા, જાફરાબાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ
અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી અને સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ (Amreli Rain) પડ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
રસ્તાઓ પર પાણી ભરાયા
વરસાદના કારણે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. શહેરના માર્ગો પર પાણી ભરાતાં વાહનચાલકોને પણ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ખેતી માટે વરસાદ આશીર્વાદરૂપ બન્યો હોવાથી ખેડૂતોમાં હાલ રાહતની લાગણી વધુ જોવા મળી રહી છે.
Amreli Rain: મુરઝાતા પાકને જીવનદાનની આશા
વરસાદ (Amreli Rain) ખેંચાતા ખેતરમાં ઉભેલા પાકને લઈને ખેડૂતો ચિંતિત બન્યા હતા. ખાસ કરીને વરસાદની જરૂરિયાત ધરાવતા પાક માટે આ વરસાદ મહત્વનો સાબિત થઈ શકે છે. અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં થયેલા વરસાદથી જમીનમાં ભેજ વધશે અને પાકને જરૂરી પાણી મળી શકશે. પરિણામે મરઝાઈ રહેલા પાકને નવજીવન મળવાની ખેડૂતો આશા રાખી રહ્યા છે. હાલ જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે અને આગામી સમયમાં વધુ વરસાદ થાય તો ખેતીને વધુ ફાયદો થવાની શક્યતા છે.
આ પણ વાંચો:અમરેલીમાં દોઢ મહિનાથી વરસાદ નહીં, ખેડૂતે 15 વીઘાના ખેતરમાં ગાયો ચરાવી દીધી
